<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મુંબઈના શિવાજી પાર્કમાં પરવાનગી વગર વિરોધ પ્રદર્શન: CJP નેતાઓ અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસ સામે લુકઆઉટ નોટિસ જારી

૨ ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી FIRના આધારે કાર્યવાહી : દિલ્હી એરપોર્ટ પર રોકાયેલા સૌરવ દાસની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકાર અને બચાવ પક્ષ વચ્ચે ઉગ્ર દલીલો

મુંબઈ :  મુંબઈના શિવાજી પાર્ક ખાતે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવા બદલ 'કોકરોચ જનતા પાર્ટી' ના નેતાઓ અભિજીત દિપકે અને આશુતોષ રંકા સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. ૨ ઓક્ટોબરના રોજ મુંબઈ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઘટના બાદ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આયોજકો અને ૪૦૦ થી ૫૦૦ અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૯ (ગેરકાયદેસર સભા), કલમ ૨૨૩ (જાહેર સેવકના આદેશનો અનાદર) તેમજ મહારાષ્ટ્ર પોલીસ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આ લુકઆઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ જ પ્રકરણમાં અગાઉ સૌરવ દાસ સામે પણ લુકઆઉટ સર્ક્યુલર (LoC) જારી કરવામાં આવ્યો હતો, જેના કારણે યુકે જવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા દાસને ઇમિગ્રેશન અધિકારીઓએ વિમાનમાં ચઢતા અટકાવ્યા હતા. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા પેનલ ચર્ચા માટે આમંત્રણ મળ્યું હતું અને એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા બાદ જ તેમને તેમનો પાસપોર્ટ ફ્લેગ થયો હોવાની જાણ થઈ હતી. આ મામલે તેમણે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ગુરુવારની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જસ્ટિસ અમિત મહાજન સમક્ષ રજૂઆત કરી હતી કે મુંબઈ પોલીસની વિનંતી પર આ સર્ક્યુલર જારી કરાયો છે, તેમજ દાસના સ્કૂલિંગ, સરનામા અને માતા-પિતાની વિગતોમાં રહેલી વિસંગતતાઓ તેમની ભારતીય નાગરિકતા પર પ્રશ્નો ઊભા કરી શકે છે.

બીજી તરફ, દિલ્હી હાઇકોર્ટમાં સૌરવ દાસનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે સરકારની કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે અરજદારને એરપોર્ટ પર પહોંચ્યા પછી જ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. સિબ્બલે દલીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિને અગાઉથી પરિપત્રની જાણ કર્યા વિના કે પ્રતિબંધક આદેશ બતાવ્યા વિના દેશ છોડતા કેવી રીતે રોકી શકાય અને નાગરિકો સાથે આવો વ્યવહાર યોગ્ય નથી. તેમણે સર્ક્યુલર ક્યારે અને કયા ગુનાના સંદર્ભમાં જારી કરાયો તે અંગે તેની નકલ માંગી હતી, જેના જવાબમાં એડિશનલ સોલિસિટર જનરલ શર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેની નકલ આપી શકે તેમ નથી અને જો દાસ ઈચ્છે તો અલગ કાયદાકીય કાર્યવાહી દ્વારા આ પરિપત્રને પડકારી શકે છે.

(6:46 PM IST)