તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
વિશ્વના છ પ્રમુખ લોકશાહી દેશોની સંસદમાં ઘટી રહ્યું છે મુસ્લિમ સાંસદોનું પ્રમાણ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચમાં થયો મોટો ખુલાસો
વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ઘટવાને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા, ભારત અને ઈઝરાયલ સહિતના દેશોના આંકડાઓ સામે આવ્યા

નવી દિલ્હી : વિશ્વના લોકશાહી દેશોમાં સંસદ દ્વારા કાયદા નિર્માણની સાથે વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવતું હોય છે, ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક સંશોધન પેપરમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિશ્વના છ પ્રમુખ લોકશાહી દેશોની સંસદમાં મુસ્લિમ સાંસદોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.
સંશોધનની વિગતો અનુસાર, ભારત અને ઈઝરાયલ જેવા દેશોમાં મુસ્લિમ સાંસદોની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં વધુ છે, જ્યાં ભારતમાં લોકસભાની ૫૪૩ અને રાજ્યસભાની ૨૪૫ બેઠકોમાંથી કુલ ૩૬ મુસ્લિમ સાંસદો (લોકસભામાં ૨૪ અને રાજ્યસભામાં ૧૨) છે, જે કુલ બેઠકોના ૪.૬ ટકા જેટલા થાય છે, જ્યારે દેશમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ અંદાજે ૨૦ ટકા જેટલું હોવાનું નોંધવામાં આવ્યું છે.
અન્ય દેશોની સ્થિતિ જોઈએ તો, ઈઝરાયલની નેસેટમાં ૧૨૦ બેઠકોમાંથી ૧૯ મુસ્લિમ સાંસદો ચૂંટાયા છે જ્યાં કુલ વસ્તીના ૧૮ ટકા મુસ્લિમો છે, જ્યારે કેનેડામાં હાઉસ ઓફ કૉમન્સની ૩૪૩ બેઠકોમાંથી ૧૩ મુસ્લિમ સાંસદો છે અને ત્યાં મુસ્લિમ વસ્તી ૪.૬ ટકા છે, જે દર્શાવે છે કે વસ્તીના અનુપાત પ્રતિનિધિત્વ હજુ પણ ઓછું છે.
અમેરિકાની વાત કરીએ તો, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની કુલ ૫૩૫ બેઠકોમાંથી માત્ર ૭ મુસ્લિમ ઉમેદવારો વિજયી બન્યા છે જે કુલ સંખ્યાના માત્ર ૧.૩ ટકા છે, જ્યારે ત્યાં મુસ્લિમ વસ્તી ૧.૯ ટકા છે; બીજી તરફ બ્રિટનના હાઉસ ઓફ કૉમન્સમાં ૬૫૦ બેઠકોમાંથી ૨૫ મુસ્લિમ સાંસદો (૩.૮૯ ટકા) અને ફ્રાન્સની સંસદમાં નીચલા ગૃહની ૫૭૭ બેઠકોમાંથી ૧૯ મુસ્લિમ સાંસદો (૩.૩૦ ટકા) પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જ્યારે ફ્રાન્સમાં મુસ્લિમ વસ્તી ૯ ટકા છે.
આ સંશોધન પેપરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ તમામ પ્રમુખ લોકશાહી દેશોમાં મુસ્લિમ સમુદાયના લોકોની કુલ વસ્તીના પ્રમાણમાં સંસદમાં તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ક્રમશઃ ઘટી રહ્યું છે, જે કલ્યાણકારી નીતિઓ અને સામાજિક વિકાસ પર સીધી અસર કરે છે.
આગામી સમયમાં રાજકીય પક્ષો અને નીતિઘડૈયાઓ દ્વારા લોકશાહીમાં તમામ વર્ગોનું સંતુલિત અને સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે, જેથી કોઈ પણ સમુદાય વિકાસની પ્રક્રિયાથી વંચિત ન રહે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
