તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
મિલકત માટે સગા પુત્રએ કરોડપતિ પિતાની સોપારી આપી
હત્યારાને કહ્યું- પકડાય તો પત્નીનું નામ લેજે : ૪૦ લાખના દેવામાં ડૂબેલા પુત્ર સુબ્રતે જ સટ્ટા અને કેસિનોની લતને કારણે પિતાની સોપારી આપી હત્યા કરાવી

કાનપુર તા.૨૫: કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં આવેલા ઈન્દિરાનગર સ્થિત રતન ઓર્બિટ એપાર્ટમેન્ટમાં ૫ સપ્ટેમ્બરની રાત્રે થયેલી જાણીતા દવા વેપારી વિનીત મિનોચા (૬૩)ની ચકચારી હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સટ્ટો અને કેસિનો રમવાની ખરાબ આદતના કારણે ૪૦ લાખ રૂપિયાથી વધુના દેવામાં ડૂબેલા સગા પુત્ર સુબ્રત મિનોચાએ જ સોપારી આપીને પોતાના પિતાની ઘાતકી હત્યા કરાવી હતી. આ હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય આરોપી પુત્ર સુબ્રતની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિનીત મિનોચા પોતાના પુત્ર સુબ્રતને દર મહિને ૪૦ હજાર રૂપિયા પોકેટમની તરીકે આપતા હતા. આમ છતાં સુબ્રત કેસિનો અને સટ્ટાબાજીની ખરાબ લતમાં ફસાઈ ગયો હતો. તેના કારણે તેના માથે આશરે ૪૦ લાખ રૂપિયાનું મોટું દેવું થઈ ગયું હતું. પિતા દ્વારા વારંવાર ટોકવામાં આવતા અને પૈસા બાબતે નિયંત્રણો લાદવામાં આવતા સુબ્રત ભારે પરેશાન રહેતો હતો. આખરે તેણે વિશાલ ગૌતમ અને રાજાકિશોર નામના શખ્સો સાથે મળીને આ ભયાનક કાવતરું રચ્યું અને શૂટરો મારફતે પિતાની હત્યા કરાવી દીધી.
સુબ્રતે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે, તેના પિતાના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા અને તેઓ કોઈને પણ ઘરમાં લાવીને કરોડોની સંપત્તિ પોતાના હાથમાંથી છીનવી શકે તેમ હતા. બીજી તરફ, પુત્રવધૂ શાલૂએ પતિને નિર્દોષ ગણાવીને પોતાને જેલ ભેગી કરવાની વિનંતી કરી હતી. જોકે, હત્યારા પકડાય તો પુત્રવધૂને ફસાવી દેવાની યોજના હોવાની વિગતો પણ સામે આવી છે. તપાસ દરમિયાન એ પણ સ્પષ્ટ થયું છે કે, હત્યાના દિવસે ફલેટનું તાળું ડુપ્લિકેટ ચાવીથી નહીં પણ અસલ ચાવીથી ખોલવામાં આવ્યું હતું, જે ચાવી સુબ્રતે જ શૂટરોને આપી હતી.
આ સમગ્ર કેસમાં કલ્યાણપુર પોલીસની ગંભીર બેદરકારી પણ છતી થઈ છે. ઘટના બાદ આરોપી સુબ્રત રૂમમાં આશરે ૧૫ મિનિટ સુધી કોઈપણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વિના એકલો ઊભો રહ્યો હતો અને ફલેટના બંને દરવાજા પર એક પણ પોલીસકર્મી તહેનાત નહોતો. આટલી મોટી ચૂક અને ઢીલા વલણને જોઈને ડીસીપી કાસિમ આબિદીએ ઈન્સ્પેક્ટર કેશવ તિવારીનો જોરદાર ઉધડો લીધો હતો.
૫ સપ્ટેમ્બરની મોડી રાત્રે એપાર્ટમેન્ટના ફલેટ નંબર સી-૧૦૪માં વિનીત મિનોચા પર તીક્ષ્ણ હથિયાર વડે ૧૮થી વધુ ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે પોતે શંકાના દાયરામાં ન આવે તે માટે સુબ્રત પત્ની સાથે બહાર પાર્ટી કરવાનો ઢોંગ કરીને નીકળી ગયો હતો. જોકે, એપાર્ટમેન્ટની ગેલેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક જૂનો કર્મચારી સહિત બે અજાણ્યા શખ્સો ફલેટમાં પ્રવેશતા કેદ થઈ ગયા હતા. પોલીસે આ શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ શરૂ કરતાં આખી હત્યાકાંડની કડીઓ જોડાઈ ગઈ અને કાવતરા પાછળ રહેલા માસ્ટરમાઈન્ડ પુત્ર સુબ્રતનો ચહેરો ખુલ્લો પડી ગયો.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
