<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈ પર ફિલ્મ બનાવનાર નિર્માતા અમિત જાનીને મળી જાનથી મારી નાખવાની ધમકી: 'જો ટાઈગરને ગોળી મારી શકાતી હોય, તો તારું શું ગજું!'

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહેલા નિર્માતાને અલગ-અલગ ગેંગ તરફથી સતત મળી રહી છે ધમકીઓ; નોઈડા પોલીસ અને ગૃહ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ.

નોઈડા, તા.22: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની ઘટના બાદ મનોરંજન જગતમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. આ દરમિયાન હવે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહેલા ફિલ્મ નિર્માતા અમિત જાનીને પણ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળી હોવાના અહેવાલો સામે આવ્યા છે. નિર્માતાના જણાવ્યા મુજબ, તેમને એક ઓડિયો સંદેશ મોકલીને ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે જો ટાઈગર શ્રોફ જેવા અભિનેતા પર હુમલો થઈ શકતો હોય, તો તેમની હત્યા કરવી પણ કોઈ મોટી વાત નથી.

 

ફિલ્મ નિર્માતા અમિત જાની આગામી સમયમાં 'કાલા હિરણ' નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મના કારણે લોરેન્સ વિરોધી જૂથો તેમને સતત નિશાન બનાવી રહ્યા છે. આ વિરોધી જૂથોમાં એવી ગેરસમજ પ્રવર્તી રહી છે કે અમિત જાનીનો લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ ગુપ્ત સંબંધ છે અને તેઓ પોતાની ફિલ્મ દ્વારા આ ગેંગસ્ટરને હીરો તરીકે પ્રદર્શિત કરવા માંગે છે. જોકે, જાનીએ આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમને કે તેમની ફિલ્મને કોઈપણ ગેંગ કે તેના નેતા સાથે કોઈ લેવાદેવા નથી.

 

અમિત જાનીએ દાવો કર્યો છે કે તેમને માત્ર આ એક જ નહીં, પરંતુ ભૂતકાળમાં પણ બોમ્બેઈયા ગેંગ, નીરજ ગેંગ, કૌશલ ચૌધરી ગેંગ, હિમાંશુ ભાઉ ગેંગ, રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર અને શહઝાદ ભટ્ટી જેવી અનેક કુખ્યાત ગેંગ તરફથી ધમકીઓ મળી ચૂકી છે. આ તમામ બાબતોની તેમણે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં સત્તાવાર ફરિયાદો પણ નોંધાવી છે. તાજેતરમાં ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા સાથે તેમને જોડવામાં આવી રહ્યા છે અને તેના બદલાવરૂપે તેમને ફિઝિકલ હાર્મ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે ગત ૧૮ ઓક્ટોબરના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ આવ્યા હતા. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા એક મેસેજમાં સ્વીકારવામાં આવી હતી અને સલમાન ખાન સાથે સંકળાયેલા અન્ય લોકોને પણ ધમકી આપવામાં આવી હતી, જોકે મુંબઈ પોલીસે આ મામલે હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

 

આ ગંભીર સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને નિર્માતા અમિત જાનીએ હવે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને નોઈડા પોલીસનો સંપર્ક કરીને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને આ મામલે કડક તપાસ કરવાની માગણી કરી છે.

 

(5:05 PM IST)