News of Thursday, 26th November 2026
નેપાળના વિનાશક પૂરમાં ગુમ થયેલા 213 ભારતીયોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ: પરિવારજનોને 2 ડિસેમ્બર સુધી વાંધા-સૂચનો રજૂ કરવા અપીલ
ઓગસ્ટમાં ત્રિશુલી-ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂર બાદ લાપતા 213 ભારતીયોની યાદી NDRRMAએ વેબસાઇટ પર મૂકી; પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે, પૂરમાં 1,453થી વધુ લોકોના મોત થયા હતા

કાઠમંડુ : નેપાળ સરકારે ગત ઓગસ્ટ મહિનામાં ત્રિશુલી-ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક અને અચાનક પૂર બાદ ગુમ થયેલા 213 ભારતીય નાગરિકોને ઔપચારિક રીતે મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે એક સત્તાવાર પ્રેસ રિલીઝ દ્વારા માહિતી આપી છે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડ્યૂશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) એ પોતાની વેબસાઇટ પર આ 213 લાપતા ભારતીયોની યાદી જાહેર કરી છે અને તેમના મૃત્યુની આશંકાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, NDRRMA દ્વારા આ યાદીમાં નામ ઉમેરવા, હટાવવા અથવા સુધારવા માટે વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. જો ગુમ થયેલા નાગરિકોના પરિવારજનોને આ યાદી અંગે કોઈ વાંધો, ચિંતા કે સૂચન હોય, તો તેઓ આગામી 2 ડિસેમ્બર પહેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. સૂચનો અને સુધારાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેપાળ સરકાર યાદીને આખરી ઓપ આપશે અને આ લોકોને સત્તાવાર રીતે મૃત જાહેર કરશે, ત્યારબાદ દૂતાવાસ દ્વારા સ્થાનિક તંત્ર પાસેથી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા શરૂ કરાશે.
દૂતાવાસે એમ પણ જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારો પાસેથી જરૂર પડ્યે વધારાની માહિતી અને દસ્તાવેજોની માંગણી કરવામાં આવી શકે છે, જે અંગે આગામી દિવસોમાં વિગતવાર માહિતી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 26 ઓગસ્ટના રોજ હિમાલય સરહદી પ્રદેશથી દક્ષિણ તરફ વહેતી ભોટેકોશી નદીમાં આવેલા આ પ્રચંડ પૂરમાં ઓછામાં ઓછા 1,453 લોકોના મોત થયા હતા અને 5,000થી વધુ લોકો ગુમ થયા હતા. પૂરના ધસમસતા પ્રવાહમાં ઘરો, રસ્તાઓ, પુલો, વાહનો અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું હતું.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
