તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ગુજરાતમાં રાહદારીઓને પ્રાથમિકતાઃ દરેક રસ્તાની બંને બાજુ ફૂટપાથ ફરજિયાત
ગુજરાતમાં હવે રસ્તા બનાવતી વખતે કારની અવરજવર કરતાં રાહદારીઓની સલામતી અને સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશેઃ રસ્તાની ડિઝાઇન બદલાશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યની તમામ ૧૬૯ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નવા નિયમો લાગુ પડશેઃ રસ્તા પહોળા કરવા ફૂટપાથ કાપી શકાશે નહીં, ચોમાસામાં રસ્તાને નુકસાન થાય તો ૨૪ કલાકમાં પુરાણ કરવુ પડશે

નવી દિલ્હી તા.૨૮: ગુજરાતમાં હવે રસ્તા બનાવતી વખતે કારની અવરજવર કરતાં રાહદારીઓની સલામતી અને સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગની નવી ગાઇડલાઇન્સ મુજબ, રસ્તાનો ઉપયોગ કરતા લોકોની પાંચ શ્રેણી બનાવવામાં આવી છે, જેમાં રાહદારીઓ પ્રથમ ક્રમે અને ખાનગી કારમાલિકો પાંચમા ક્રમે છે. દરેક શહેરી રસ્તાની બંને બાજુ ફૂટપાથ ફરજિયાત રહેશે અને એન્જાિનિયરો પોતાની રીતે ફૂટપાથ રદ કરી શકશે નહીં. રસ્તા પર ચાલવા માટેનો ભાગ સતત અને અવરોધમુક્ત રાખવો પડશે.
આ ફરજિયાત માર્ગદર્શિકા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યની તમામ ૧૬૯ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને લાગુ પડશે. વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની તૈયારી અને ૨૦૩૬ની ઓલિમ્પિક્સ માટે દાવેદારીની તૈયારી વચ્ચે શહેરી રસ્તાઓ માટેના નિયમો નક્કી કર્યા છે.
રસ્તા પહોળા કરતી વખતે ફૂટપાથ સાંકડા થઈ જાય, સ્ટ્રીટલાઇટ ગટરમાં કે રસ્તાની બાજુમાં ખસેડાય અને રાહદારીઓ કારની અવરજવરમાં અવરોધરૂપ બને તેવી સ્થિતિને બદલવાનો પ્રયાસ છે. એક કારને ચાલવા માટે ૧૨થી ૧૫ ચોરસ મીટર જગ્યા જોઈએ છે, જ્યારે એક રાહદારીને માત્ર ૧ ચોરસ મીટર જગ્યા પૂરતી છે.
માર્ગદર્શિકા મુજબ, મુખ્ય માર્ગો પર ચાલવા માટેની સ્પષ્ટ પહોળાઈ ૩ મીટર, ઉપમુખ્ય માર્ગો પર ૨.૫થી ૩ મીટર અને સ્થાનિક રસ્તાઓ પર ૨ મીટર હોવી જોઈએ. વાહનો અને રાહદારીઓ દ્વારા સહિયારા ઉપયોગમાં લેવાતા રસ્તાઓ પર સપાટી એકસરખી અને સતત રાખવી પડશે. વળાંક માટેની મહત્તમ ત્રિજ્યા સ્થાનિક રસ્તાઓ પર ૬થી ૯ મીટર અને મુખ્ય માર્ગો પર ૧૨થી ૧૫ મીટર નક્કી કરાઈ છે.
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે રસ્તાની વચ્ચેના ડિવાઇડર ઓછામાં ઓછા ૧.૨ મીટર પહોળા અને રાહદારીઓ માટેની સુરક્ષિત જગ્યા સુરક્ષિત ટાપુ ૨ મીટરના હોવા જોઈએ. ફૂટપાથ પરથી રસ્તા પર ઊતરવા માટેના રેમ્પનો ઢાળ ૧:૧૨થી વધુ ન હોવો જોઈએ અને તેની પહોળાઈ ઓછામાં ઓછી ૧.૨ મીટર હોવી જોઈએ. દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે સ્પર્શથી ઓળખી શકાય તેવી ખાસ ટાઇલ્સ પણ લગાવવી પડશે. નકશાજુઓ
ટ્રાફિક સિગ્નલ પર રાહદારીઓ માટે લીલી લાઇટનો સમય ચાલવાની પ્રતિ સેકન્ડ ૧ મીટરની ઝડપના આધારે નક્કી કરવો પડશે. ઉપરાંત, રસ્તો ઓળંગવા માટે વધારાની ૩થી ૭ સેકન્ડની સમયમર્યાદા આપવી પડશે. સાઇકલ ટ્રેક એક તરફી હોય તો ૨ મીટર અને બંને તરફી હોય તો ૩ મીટર પહોળો હોવો જોઈએ. તેના પર પાર્ક કરેલાં વાહનો કે ફેરિયાઓનો અતિક્રમણ ન હોવો જોઈએ.
ફૂટપાથ પર અવરોધ ન થાય તે માટે રસ્તામાં ૧.૫ મીટરનો પટ્ટો રાખવામાં આવશે. તેમાં ફેરિયાઓનાં સ્ટોલ, બાંકડા, કચરાપેટી, વૃક્ષો માટેની જગ્યા અને સ્ટ્રીટલાઇટ ગોઠવી શકાશે. સ્થાનિક રસ્તાઓ પર સાઇનબોર્ડ વચ્ચે ૩૦ મીટર અને મુખ્ય માર્ગો પર ૬૦ મીટરનું અંતર રાખવું પડશે. સાઇનબોર્ડ જમીનથી ૨.૧થી ૨.૫ મીટરની ઊંચાઈએ લગાવવાના રહેશે. ફૂટપાથની વચ્ચે, રેમ્પ પર, ઝેબ્રા ક્રોસિગ પર કે વૃક્ષો, થાંભલા અને સ્ટોલ પર સાઇનબોર્ડ લગાવી શકાશે નહીં.
ડ્રેનેજ નેટવર્ક વિના કોઈ પણ રસ્તાના પ્રોજેક્ટને મંજૂરી મળશે નહીં. ડામરના રસ્તા પર આડો ઢાળ ૨.૫ ટકા અને સિમેન્ટ કોંક્રિટના રસ્તા પર ૨ ટકા રાખવાનો રહેશે. જમીનની સપાટીથી ૧.૫ મીટરની અંદર ભૂગર્ભજળ હોય અથવા વાર્ષિક વરસાદ ૮૦૦ મિમીથી વધુ હોય તેવા વિસ્તારોમાં સિમેન્ટ કોંક્રિટના રસ્તા ફરજિયાત રહેશે.
રસ્તાની બાજુના પટ્ટાને ધૂળમુક્ત બનાવવા કોંક્રિટના કિનારા અને ઝાડીઓ લગાવવી પડશે. નવા મુખ્ય રસ્તાઓ પર ચાર બાજુથી જોડાતા જંક્શન પર ૩૦૦ મિમીના આર.સી.સી. એન.પી.-૩ ક્રોસ-ડક્ટ્સ બનાવવાના રહેશે. કોન્ટ્રાક્ટરની ખામી-જવાબદારીનો ત્રણ વર્ષનો સમયગાળો ચાલુ હોય ત્યારે રસ્તો ખોદવાની મંજૂરી અપાશે નહીં. આ સમયગાળા દરમિયાન રસ્તામાં ખામી સર્જાય તો કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે સમારકામ કરવાનું રહેશે.
ચોમાસામાં રસ્તાને નુકસાન થાય તો ૨૪ કલાકમાં પાયાના ભાગમાં પૂરાણ કરવું પડશે, જ્યારે જોખમી ખામીઓ ૪૮ કલાકમાં દૂર કરવી પડશે. એન્જાિનિયરોએ સમારકામ પહેલાં અને પછીના ભૌગોલિક સ્થાન સાથેના ફોટા ૭૨ કલાકમાં અપલોડ કરવાના રહેશે.
દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકાએ નાગરિકો માટે એક એપ શરુ કરવી પડશે. માર્ગ અને મકાન વિભાગની ‘ગુજમાર્ગ' (GujMarg) એપના મોડેલ પર તૈયાર થનારી આ એપમાં લોકો રસ્તા અને અન્ય માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનના ભૌગોલિક સ્થાન સાથેના ફોટા અપલોડ કરી શકશે.
દરેક શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાએ કોન્ટ્રાક્ટરની જવાબદારી હેઠળ આવતા રસ્તાઓની યાદી જાહેર કરવી પડશે. તેમાં કોન્ટ્રાક્ટરનાં નામ, ખર્ચ અને તપાસના ગુણનો સમાવેશ કરવો પડશે. આ વિગતો દર વર્ષે ૧ જુલાઈ અને ૧ નવેમ્બરે પ્રકાશિત કરવાની રહેશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
