<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

૩૦ અને ૩૧ ઓક્‍ટોબરે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે

બનાસકાંઠા જિલ્‍લાના ભીડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, જ્‍યારે બીજા દિવસે નર્મદા જિલ્‍લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

અમદાવાદ,તા.૨૨: વડા પ્રધાન  મોદી આગામી ૩૦ અને ૩૧ ઓક્‍ટોબરના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્‍લાના ભીડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, જ્‍યારે બીજા દિવસે નર્મદા જિલ્‍લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. વડા પ્રધાનના પ્રવાસને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકાર અને સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

વડા પ્રધાનના પ્રવાસના પ્રથમ દિવસે, ૩૦ ઓક્‍ટોબરે, બનાસકાંઠા જિલ્‍લાના ભીડી ખાતે જનસભા અને અન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં આગામી હપ્તાની રકમ સીધી ટ્રાન્‍સફર કરશે. આ ઉપરાંત તેઓ ઉપસ્‍થિત જનમેદનીને સંબોધિત પણ કરશે.

આ કાર્યક્રમ ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ યોજનાના માધ્‍યમથી દેશભરના પાત્ર ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડવામાં આવે છે. વડાપ્રધાનની હાજરીને પગલે બનાસકાંઠામાં કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી નર્મદા જિલ્‍લાના એકતા નગર પહોંચશે. ૩૧ ઓક્‍ટોબરે સરદાર વલ્‍લભભાઈ પટેલની જન્‍મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. વડાપ્રધાન અહીં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્‍ય પરેડમાં ભાગ લેશે અને વિવિધ સુરક્ષા દળો પરેડમાં વડા પ્રધાનને સલામી પણ આપશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે સરદાર વલ્‍લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને ઉજાગર કરવા માટે દર વર્ષે આ દિવસે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે.

વડા પ્રધાનના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ગુજરાતને લગતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યો અંગે જાહેરાતો થવાની શક્‍યતા પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. પ્રવાસને ધ્‍યાનમાં રાખીને બનાસકાંઠા અને કેવડિયા ખાતે સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત બનાવવાની સાથે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોને આર્થિક સહાયના હપ્તાના હસ્‍તાંતરણથી લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સુધીના કાર્યક્રમોને કારણે વડા પ્રધાનનો આ ગુજરાત પ્રવાસ મહત્ત્વનો બની રહેશે.

(2:52 PM IST)