તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈનો કરકસરનો મજબૂત સંદેશ : એસપીજીને પોતાના કાફલામાં વાહનોની સંખ્યા 50 ટકા ઘટાડવા અને સરકારી વિભાગોને ખર્ચ કાપના કડક પગલાં લેવા આદેશ આપ્યો
ઈંધણ અને વિદેશી મુદ્રા બચાવવા માટે વડાપ્રધાનનો મોટો નિર્ણય : બ્લુ બુકના સુરક્ષા નિયમો જાળવીને નવા વાહનો ખરીદ્યા વિના ઇલેક્ટ્રિક ગાડીઓ પ્રોત્સાહિત કરવા તેમજ મંત્રીઓ અને કર્મચારીઓને મેટ્રો ટ્રેન કે કારપૂલિંગનો ઉપયોગ કરવા સૂચના

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારી ખર્ચમાં કાપ મૂકવા અને કરકસર અપનાવવા માટે પોતે જ પહેલ કરી છે. વડાપ્રધાનના નિર્દેશ બાદ તેમના સત્તાવાર કાફલા (કારકેડ)ના કદમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ પગલું અન્ય સરકારી વિભાગો માટે એક ઉદાહરણ પૂરું પાડવાના હેતુથી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને તેમની સુરક્ષા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને નિર્દેશ આપ્યો છે કે સુરક્ષાના કાફલામાં ગાડીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે કાફલામાં નવા વાહનો પાછળ વધારાનો ખર્ચ કર્યા વિના ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
સુરક્ષા સાથે બાંધછોડ વિના અમલીકરણ:
એસપીજીએ વડાપ્રધાનના આ સૂચનાઓનો અમલ શરૂ કરી દીધો છે. જોકે, સુરક્ષા માર્ગદર્શિકા 'બ્લુ બુક' માં નિર્ધારિત ફરજિયાત સુરક્ષા નિયમો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. દિલ્હી બહારની વડાપ્રધાનની તાજેતરની મુલાકાતો દરમિયાન તેમનો કાફલો અગાઉની સરખામણીએ નાનો જોવા મળ્યો હતો. એસપીજી હવે બ્લુ બુકના ચુસ્ત નિયમોનું પાલન કરીને કાફલાને વધુ સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે હૈદરાબાદની મુલાકાત દરમિયાન પણ વડાપ્રધાને જનતાને ઈંધણ અને સોનાના વપરાશમાં ઘટાડો કરવા હાકલ કરી હતી.
સરકારી વિભાગોમાં ખર્ચ કાપનો ધમધમાટ:
વડાપ્રધાનની આ પહેલ બાદ હવે કેન્દ્રીય મંત્રાલયો અને વિવિધ વિભાગો પણ કરકસરના પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓને ઓફિસ આવવા માટે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા, કારપૂલિંગ અપનાવવા અને ભવ્ય ભોજન સમારંભો ટાળવા જેવી સૂચનાઓ આપવામાં આવી શકે છે. ઘણા વિભાગોમાં બિનજરૂરી મુસાફરી ઘટાડીને ઈંધણ બચાવવા માટેના પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
રાજ્નાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક:
ઈંધણનો વપરાશ ઘટાડવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અંગેનો મુદ્દો સંરક્ષણ મંત્રી રાજ્નાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી મંત્રીઓના અનૌપચારિક જૂથની બેઠકમાં પણ ચર્ચાયો હતો. વડાપ્રધાનનો આ સંદેશ સમગ્ર વહીવટી તંત્ર માટે છે અને ટૂંક સમયમાં પર્સનલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. દરેક વિભાગે પોતાના સ્તરે ઈંધણ અને વીજળી બચાવવા માટેની યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પ્રશાસન પણ કેન્દ્રની આ નીતિઓનું અનુસરણ કરી શકે છે.
(7:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
