તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
વડોદરાના આંગણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘સેવા-સ્વચ્છતાથી સ્વાગત’ : રૂ. ૩૫,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો
૨૮૦૦ કિલોમીટરનો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત, આવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતમાં બનેલી બુલેટ ટ્રેન ટ્રેક પર ટેસ્ટિંગ માટે આવશે : ચિપ્સથી શિપ્સ સુધી દેશ નવું ઉત્પાદન ભવિષ્ય બનાવી રહ્યો હોવાનો વડાપ્રધાનનો દાવો

વડોદરા: વિકાસ અને વિશ્વાસના ત્રિવેણી સંગમસમા એક ભવ્ય ઉત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાન ખાતેથી ₹૩૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો તથા કેટલાંક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી તેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સ્વાગત માટે વડોદરાના નાગરિકો દ્વારા આયોજિત અસાધારણ સ્વચ્છતા અભિયાન અને સેવા ભાવનાની તેમણે ઊંડી પ્રશંસા કરી હતી.
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત લોકો અને સામાનને વધુ ઝડપથી પહોંચાડવા, નવી તકો ઊભી કરવા અને આર્થિક વૃદ્ધિને બળ આપવા માટે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી રહ્યું છે. તેમણે લાલ કિલ્લા પરથી જાહેર કરાયેલા 'સપ્તધારા' સંકલ્પની રૂપરેખા આપતા ગતિ શક્તિ પહેલ દ્વારા ૨૮૦૦ કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની ઐતિહાસિક પૂર્ણતાને બિરદાવી હતી અને વડોદરાને ગતિ શક્તિ યુનિવર્સિટીના સાચા શહેર તરીકે ઓળખાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે પૂર્વ અને પશ્ચિમ ફ્રેઇટ કોરિડોર પર પેસેન્જર તથા ફ્રેઇટ ટ્રાફિક અલગ થવાથી દરરોજ ૪૩૦થી વધુ માલગાડીઓ દોડી શકશે, જેનાથી ૩૦ કલાકની ટ્રકની મુસાફરી ઘટીને માત્ર ૧૦-૧૨ કલાક થઈ ગઈ છે. JNPT પોર્ટથી વડોદરા સુધી ડબલ-સ્ટેક કન્ટેનર ફ્રેઇટ ટ્રેનના સંચાલનથી ૨૫૦થી વધુ ટ્રકો જેટલો માલ એકસાથે વહન કરી શકાયો છે, જેનાથી ખેડૂતોના શાકભાજી, ફળો અને મોસમી ફૂલો ઝડપથી બજારો સુધી પહોંચી શકશે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે રેલવે ક્ષેત્રે ૨.૭૫ લાખ કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે છોટા ઉદેપુર અને અલીરાજપુર જેવા આદિવાસી વિસ્તારો સુધી નવી રેલ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. ૨૦૧૪ પછી દેશે ૫૦,૦૦૦ આધુનિક કોચ અને ૨.૫ લાખ વેગન ઉમેર્યા છે. કડાણા ડેમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી દેશના ૫૫ લાખ અને ગુજરાતના ૧૧ લાખ પરિવારોને લાભ થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત હવે ચિપ્સથી લઈને શિપ્સ સુધી નવું ઉત્પાદન ભવિષ્ય બનાવી રહ્યું છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગ આપવાની જાહેરાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર પોતે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોના કોચિંગની કાળજી લેશે તથા યુવાનોને AI-કુશળ બનાવવા માટે રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી સાકાર થાય છે. રૂ. ૩૫ હજાર કરોડના આ કામોથી ટ્રાન્સપોર્ટેશન, કનેક્ટિવિટી, આવાસ, પાણી પુરવઠા અને શહેરી વિકાસના ક્ષેત્રે ડબલ એન્જીન સરકારના ડબલ લાભથી ગુજરાત દેશમાં અગ્રેસર રહેશે.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે ૨૦૧૪ પહેલા ફ્રેઇટ કોરિડોરનું ૧ કિલોમીટર પણ કામ થયું નહોતું, જ્યારે આજે દાદરથી JNPT સુધીનો કોરિડોર પૂર્ણ થયો છે. તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત બની રહેલી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે મે-જૂન સુધીમાં ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવશે અને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સિવાય વડોદરાથી રતલામ રૂટ માટે ફોર લાઇનિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.
આ ગરિમામય અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગ જોષી, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
