તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
દિલ્હીમાં યોજાનારી ૧૮મી બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડાયનેમિક ડિપ્લોમેટિક શેડ્યુલ જાહેર: ત્રણ દિવસમાં વિશ્વના દિગ્ગજ નેતાઓ સાથે કરશે મેગા બેઠકો!
ભારત મંડપમ ખાતે વિશ્વના શક્તિશાળી નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓનો ધમધમાટ; પુતિન, શી જિનપિંગ અને ગુટેરેસ સહિતના વૈશ્વિક હસ્તિઓ સાથે મુલાકાતનું સંપૂર્ણ સમયપત્રક આવ્યું સામે.

નવી દિલ્હી, તા.૧૧: ભારતની યજમાનીમાં નવી દિલ્હી ખાતે શરૂ થઈ રહેલી ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટ વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધતી જતી તાકાત અને કૂટનીતિક પ્રભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગામી ત્રણ દિવસનું અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ બેઠક શેડ્યુલ બહાર આવી ગયું છે. વિશ્વભરમાંથી આવી પહોંચેલા રાષ્ટ્રાધ્યક્ષો અને વૈશ્વિક નેતાઓ સાથે પીએમ મોદી દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા આર્થિક, વ્યૂહાત્મક અને વેપાર સંબંધી અસંખ્ય મહત્વના મુદ્દાઓ પર મંથન કરશે. દિલ્હીમાં સુરક્ષાની લોખંડી દીવાલો વચ્ચે આ શિખર સંમેલન ઐતિહાસિક સફળતા તરફ આગળ વધી રહ્યું છે.
સંમેલનના પ્રથમ દિવસે એટલે કે ૧૧ સપ્ટેમ્બરે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન સાથે મહત્વની બેઠકો યોજશે. આ ઉપરાંત તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મુલાકાત કરશે. બીજા દિવસે એટલે કે ૧૨ સપ્ટેમ્બરે કૂટનીતિક ગતિવિધિઓ વધુ તેજ બનશે, જેમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઇથોપિયાના પ્રધાનમંત્રી અબી અહેમદ અલી, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ, અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોંહમદ બિન જાયદ નાહયાન અને વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન્હ હંગ સાથે ચર્ચા કરશે. આ જ દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પણ ઇરાનના રાષ્ટ્રપતિને મળશે.
કાર્યક્રમના અંતિમ દિવસ એટલે કે ૧૩ સપ્ટેમ્બરે પણ બેઠકોનો સિલસિલો યથાવત રહેશે. આ દિવસે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ, ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેંડ આર. માર્કોસ જુનિયર, મિસરીય રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, બરુન્ડીના રાષ્ટ્રપતિ એવારિસ્ટ નડાયિશિમિયે તેમજ નાઈજીરીયા અને યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિઓ સાથે પીએમ મોદી મહત્વપૂર્ણ ચર્ચા કરશે. આટલી મોટી વૈશ્વિક હસ્તિઓની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચરમસીમા પર છે. એનએસજીના ૧૦૦થી વધુ બ્લેક કેટ કમાન્ડો, દિલ્હી પોલીસની એસડબલ્યુએટી (SWAT) ટીમ તેમજ ભારત મંડપમ અને ૧૧ પ્રમુખ હોટલોની આસપાસ હાઈ-ટેક એન્ટ્રી ડ્રોન સિસ્ટમ અને રડાર તૈનાત કરીને આકાશથી લઈને ધરતી સુધી કડક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
