તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે : ડીસામાં ડેરી પ્રોજેક્ટનું લોકાર્પણ અને કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં રહેશે ઉપસ્થિત
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની ઝીલશે સલામી : બનાસકાંઠા અને નર્મદા જિલ્લામાં ઉત્સાહનો માહોલ તથા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

ગાંધીનગર : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ પોતાના વતન રાજ્ય ગુજરાતની બે દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન પશુપાલન, સંશોધન અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા વિવિધ કાર્યક્રમોમાં વિશેષરૂપે સહભાગી થશે. વડાપ્રધાનના આગમનને પગલે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
પ્રવાસના પ્રથમ દિવસે ડીસા ખાતે બોવાઈન બ્રિડીંગ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ:
વડાપ્રધાનના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૩૦ ઓક્ટોબરે તેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે પહોંચશે. અહીં તેઓ બનાસ ડેરી દ્વારા નવનિર્મિત અત્યાધુનિક 'બોવાઈન બ્રિડીંગ રિસર્ચ સેન્ટર' નું વિધિવત લોકાર્પણ કરશે. આ અદ્યતન રિસર્ચ સેન્ટર શરૂ થવાથી ઉત્તર ગુજરાતના પશુપાલકોને પશુઓની ઓલાદ સુધારણા તેમજ દૂધ ઉત્પાદન ક્ષેત્રે મોટો ફાયદો થશે. આ લોકાર્પણ વિધિ બાદ તેઓ વિશાળ જનમેદની અને પશુપાલકોને સંબોધિત પણ કરશે.
ત્યારબાદ ૩૦ ઓક્ટોબરની મોડી સાંજે વડાપ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે પહોંચશે, જ્યાં તેઓ સાંજના સમયે યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તેમનું રાત્રિ રોકાણ પણ એકતાનગર ખાતે જ રહેશે. વડાપ્રધાનના આગમનને લઈને આ સમગ્ર વિસ્તારને ભવ્ય રોશની અને આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યો છે.
૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની સલામી:
પ્રવાસના બીજા દિવસે એટલે કે ૩૧ ઓક્ટોબરે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે કેવડિયા ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન આ રાષ્ટ્રીય મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે સરદાર સાહેબને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ ભવ્ય 'રાષ્ટ્રીય એકતા પરેડ' ની સલામી ઝીલશે.
બે દિવસના આ વ્યસ્ત અને મહત્વપૂર્ણ કાર્યક્રમો સંપન્ન કર્યા બાદ ૩૧ ઓક્ટોબરની મોડી સાંજે વડાપ્રધાન વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી ખાસ વિમાન દ્વારા નવી દિલ્હી પરત ફરવા માટે રવાના થશે.
કડક સુરક્ષા બંદોબસ્ત:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ ઉચ્ચસ્તરીય મુલાકાતને ધ્યાનમાં રાખીને ડીસા, કેવડિયા અને વડોદરા એરપોર્ટ સહિત તમામ આસપાસના વિસ્તારોમાં ચુસ્ત અને અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પ્રવાસના તમામ સ્થળોની સુરક્ષા વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
