<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 13 અને 14મીએ ફરી એકવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે

તેઓ 14 નવેમ્બરે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન-પૂજા કરશે તેમજ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજરી આપશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર પોતાના ગૃહરાજ્ય ગુજરાતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આગામી 13 અને 14 નવેમ્બરના રોજ તેઓ રાજ્યના વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રોટોકોલ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

 

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 14 નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લઈ શકે છે. મા અંબાના અનન્ય ભક્ત રહેલા પીએમ મોદી ગબ્બર અને શક્તિપીઠ ખાતે વિશેષ પૂજા-અર્ચના કરી રાજ્ય અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરશે. અંબાજી ખાતે દર્શનાર્થીઓની સુવિધા અને મંદિર પરિસરના વિકાસ કાર્યોની પ્રગતિની પણ તેઓ સમીક્ષા કરી શકે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરાઈ છે.

 

 

 

 

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આદિવાસી સમાજના મહાન નાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા જનજાતિય ગૌરવ દિવસના ભવ્ય રાજ્યસ્તરીય કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. ગુજરાતના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ, વનબંધુ કલ્યાણ યોજનાઓ અને જનજાતિ ઉત્કર્ષને લગતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થાય તેવી પ્રબળ શક્યતા છે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમુદાયના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.

(12:27 PM IST)