<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે બનાસકાંઠાથી રૂ. 750 કરોડના ખર્ચે 4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

નવા ચાઇલ્ડ-ફ્રેન્ડ્લી આંગણવાડી કેન્દ્રો દ્વારા આશરે ચાર લાખ લાભાર્થીઓને સીધો લાભ મળશે: 51 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચતી આંગણવાડી સેવાઓને મળશે આધુનિક માળખાનો આધાર

ગાંધીનગર:ગુજરાતનાં બાળકોના સર્વાંગી વિકાસ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરીઓના પોષણને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે, 30 ઑક્ટોબરના રોજ બનાસકાંઠાની ધરતી પરથી એક રાજ્યવ્યાપી મહત્ત્વની પહેલ અંતર્ગત ગુજરાતમાં આશરે 750 કરોડ રૂપિયાના ખર્ચે 4,300 થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તે અંતર્ગત 4,000થી વધુ નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 300થી વધુ પૂર્ણ થયેલાં આધુનિક આંગણવાડી કેન્દ્રો લોકાર્પિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ આ પહેલ ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ, પ્રાથમિક શિક્ષણ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરી કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવતી કામગીરીને વધુ મજબૂત બનાવશે. નવા ચાઇલ્ડ-ફ્રેન્ડ્લી આંગણવાડી કેન્દ્રો દ્વારા આશરે ચાર લાખ લાભાર્થીઓને સીધો લાભ મળવાનો અંદાજ છે, જેમાં આશરે ત્રણ લાખ બાળકો, 80 હજાર કિશોરીઓ તથા 35 હજાર સગર્ભા અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે.
53 હજારથી વધુ આંગણવાડીઓ દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓને સેવાઓ
ગુજરાતના તમામ 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આ કેન્દ્રો દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓ સુધી વિવિધ સેવાઓ પહોંચાડવામાં આવે છે. તેમાં છ વર્ષ સુધીનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં ત્રણથી છ વર્ષનાં 16 લાખથી વધુ બાળકો આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. તેમને પૌષ્ટિક નાસ્તા ઉપરાંત બપોરે ગરમ ભોજન પણ આપવામાં આવે છે. આંગણવાડીઓ બાળકોના પ્રારંભિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે.
નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની વિશેષતા
નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની વિશેષતા એ છે કે તેમાં બાળકોને અનુકૂળ વાતાવરણ સાથે સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર અને ડિજિટલ શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અને હેન્ડરેલની વ્યવસ્થા, LED સ્માર્ટ ટીવી તથા પોષણ વાટિકા જેવી સુવિધાઓ પણ બાળકોના શિક્ષણ અને પોષણ અંગેની જાગૃતિને પ્રોત્સાહન આપશે. BALA એટલે કે ‘Building as Learning Aid’ની સંકલ્પના હેઠળ આંગણવાડીના મકાન, રંગો અને દીવાલો પણ બાળકોના શીખવાના માધ્યમ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાંધકામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા IIT ગાંધીનગરના સહયોગથી પસંદગીનાં આંગણવાડી મકાનોનું થર્ડ પાર્ટી ટેકનિકલ નિરીક્ષણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોષણ ક્ષેત્રે વ્યાપક કામગીરી : લાખો બાળકો અને માતાઓને લાભ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો તથા માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ટેક હોમ રાશન યોજના અંતર્ગત રાજ્યમાં 15 લાખથી વધુ બાળકો, આશરે પાંચ લાખ માતાઓ અને 10 લાખ કિશોરીઓને દર મહિને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ યોજના માટે 615 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીઓમાં આવતા 18 લાખથી વધુ બાળકોને ગરમ ભોજન તૈયાર કરવા માટે પોષક તત્ત્વોથી સમૃદ્ધ ફોર્ટિફાઇડ લોટ પૂરો પાડવામાં આવે છે. આદિજાતિ વિસ્તારો અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત દર વર્ષે આશરે 126 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 11 લાખ બાળકો અને બે લાખ માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આશરે 4.5 લાખ માતાઓને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર સિંગતેલ આપવામાં આવે છે. આ યોજના માટે 265 કરોડ રૂપિયાની જોગવાઈ છે. પોષણ સુધા યોજના અંતર્ગત 14 જિલ્લાનાં 106 ઘટકોમાં આશરે એક લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રો ખાતે દરરોજ બપોરે સંપૂર્ણ પૌષ્ટિક ગરમ ભોજન આપવામાં આવે છે. આ યોજના પાછળ 87 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધારિત છે. તે જ રીતે, 15થી 18 વર્ષની 10 લાખથી વધુ કિશોરીઓને પોષણ, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતાની દિશામાં સહાયરૂપ બનવા પૂર્ણા યોજના અમલમાં છે, જેના માટે 362 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આંગણવાડી કાર્યકરોને ડિજિટલ સશક્તિકરણ અને પારદર્શક વહીવટ
આંગણવાડી સેવાઓને વધુ અસરકારક બનાવવા વિભાગે ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો છે. પોષણ ટ્રેકર, હેડ કાઉન્ટ, WCD AVT અને અન્ય ડિજિટલ એપ્લિકેશનો દ્વારા લાભાર્થીઓની નોંધણી, બાળકોની હાજરી, પોષણ સેવાઓનું વિતરણ અને ક્ષેત્ર મુલાકાતોની દેખરેખ રાખવામાં આવે છે. આંગણવાડી કાર્યકરોને ડિજિટલ રીતે સક્ષમ બનાવવા માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન દરેક કાર્યકરને 5G સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા. પોષણ ટ્રેકરમાં રિયલ-ટાઇમ ડેટા એન્ટ્રી માટે કાર્યકરોને દર મહિને 500 રૂપિયા અને તેડાગરોને 250 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. 
અગાઉની ભરતી પ્રક્રિયામાં નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે છ હજારથી વધુ નવી જગ્યાઓ માટે ઓનલાઇન ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ‘માતા યશોદા એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવાની સાથે દર વર્ષે ગણવેશરૂપે બે સાડીઓ આપવાની વ્યવસ્થા પણ છે. તેમની સામાજિક સુરક્ષા માટે વીમા અને બચત આધારિત જોગવાઈઓ અમલમાં છે.
બાળકોના જીવનનાં પ્રારંભિક વર્ષોમાં યોગ્ય પોષણ, સુરક્ષિત વાતાવરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમના ભવિષ્યને ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તે થનારા 4,300થી વધુ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની પહેલથી રાજ્યમાં બાળમૈત્રીપૂર્ણ માળખાકીય સુવિધાઓને વિસ્તૃત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થશે. સાથે જ, મહિલા અને બાળ વિકાસ વિભાગની પોષણલક્ષી યોજનાઓ તથા ડિજિટલ દેખરેખની વ્યવસ્થા દ્વારા બાળકો, કિશોરીઓ અને માતાઓ સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને વધુ વેગ મળશે

(8:30 PM IST)