તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
ટ્રમ્પના ૩૫ વિશ્વ નેતાઓની મુલાકાત યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર: ભારતમાં અમેરિકી રાજદૂતો સર્જિયો ગોરનો દાવો
ભારત-અમેરિકા સંબંધો સુવર્ણ યુગમાં: ઓક્ટોબરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની ફરી ભારત મુલાકાત: ક્વાડ, સંરક્ષણ અને AI ક્ષેત્રે ભાગીદારી થશે વધુ મજબૂત

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પાંચ વર્ષ પહેલાની સરખામણીએ આજે અત્યંત મજબૂત અને વ્યાપક મોડમાં પહોંચી ગયા છે. ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના એમ્બેસેડર સર્જિયો ગોરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઈઓ આંબી રહી છે. જો યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવે કે તેઓ વિશ્વના ૩૫ અગ્રણી નેતાઓમાંથી સૌથી પહેલા કોને મળવાનું પસંદ કરશે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રાથમિકતા યાદીમાં પ્રથમે સ્થાને હશે. ગોરે સ્પષ્ટ કર્યું કે ભારત અને યુએસ હવે માત્ર પરંપરાગત ક્ષેત્રો પૂરતા સીમિત નથી, પરંતુ વેપાર, ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, સ્પેસ, સંરક્ષણ અને સંયુક્ત લશ્કરી કવાયતો સહિત તમામ મોરચે ખભેથી ખભો મિલાવીને કામ કરી રહ્યા છે.
દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી ક્વાડ શેરપા બેઠકનો ઉલ્લેખ કરતા યુએસ રાજદૂતે તેને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. ક્વાડ એ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસુ ભાગીદારોનું એક શક્તિશાળી જૂથ છે, જે માનવતાવાદી સહાય, આપત્તિ વ્યવસ્થાપન અને સેનાઓ વચ્ચે સુધારેલા સંકલન પર કામ કરી રહ્યું છે. ગોરે માહિતી આપી હતી કે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ક્વાડ મંત્રી સ્તરની આગામી બેઠક યોજાશે, જેમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો ભાગ લેશે. વધુમાં, આ વર્ષના અંત સુધીમાં ક્વાડ નેતાઓની સમિટ યોજવાની પણ યોજના છે. ક્વાડના કાર્યસૂચિમાં હવે AI, ડેટા સેન્ટર્સ અને ક્રિટિકલ મિનરલ્સ જેવી ઉભરતી નવી ટેકનોલોજીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
હાઇ-લેવલ રાજદ્વારી સંપર્કો અંગે વાત કરતા એમ્બેસેડર ગોરે જણાવ્યું હતું કે અમેરિકા પોતાના મંત્રીઓ અને અધિકારીઓની સતત ભારત મુલાકાતો દ્વારા આ સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે. માર્કો રુબિયોની ટૂંકા ગાળામાં જ ઓક્ટોબર માસમાં ફરીથી થનારી ભારત મુલાકાત તથા અમેરિકાના વિવિધ રાજ્યોના ગવર્નરોની આગામી ભારત યાત્રાથી બંને દેશો વચ્ચે રોકાણ અને વ્યાપારના નવા દ્વાર ખુલશે. માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી અગ્રણી અમેરિકી કંપનીઓ ભારતમાં AI અને ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે વિશાળ રોકાણ કરી રહી છે. સર્જિયો ગોરે ઉમેર્યું હતું કે ભારતની આર્થિક પ્રગતિ અને સ્થિરતા સમગ્ર વિશ્વ અને અમેરિકા માટે અત્યંત સકારાત્મક અને લાભદાયી છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
