તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને શરદ પવાર વચ્ચે યોજાઈ હાસ્યસભર બેઠક : રાજકીય ગરમાવો વધ્યો
પરિસીમન બિલ અંગે એનસીપી (શરદ પવાર જૂથ) ના ૮ સાંસદોનું સમર્થન મેળવવાની અટકળો : એનડીએમાં વિલય અને બંને જૂથોના એકીકરણ મુદ્દે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું

નવી દિલ્હી, તા.૨૨ જુલાઈ: સંસદના ચોમાસું સત્ર દરમિયાન એક તરફ વિપક્ષી સાંસદો દ્વારા સરકાર સામે ભારે હંગામો, વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડાપ્રધાન કાર્યાલય (PMO) માં યોજાયેલી એક ખાસ મુલાકાતે દેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) ના પ્રમુખ શરદ પવાર અને તેમના પુત્રી તથા સાંસદ સુપ્રિયા સુલેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે તેમના કાર્યાલયમાં ખાસ બેઠક યોજી હતી. આ બેઠકની સામે આવેલી તસવીરોમાં વરિષ્ઠ મરાઠા નેતા શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત ખુશનુમા માહોલમાં હસતા અને દસ્તાવેજો કે નોટ્સ શેર કરતા નજરે પડ્યા હતા.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અને તસવીરો અનુસાર, વડાપ્રધાન મોદી પોતે પોતાના રૂમના દરવાજે જઈને શરદ પવારનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાને શરદ પવારનો હાથ પકડીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને તેમને કાર્યાલયની અંદર લઈ ગયા હતા. આ પ્રસંગે સાંસદ સુપ્રિયા સુલે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે કેટલાક અગત્યના દસ્તાવેજોની આપ-લે પણ થઈ હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.
આ મહત્વપૂર્ણ મુલાકાત પાછળના રાજકીય સમીકરણો અંગે નિષ્ણાતોનું માનવું છે કે, કેન્દ્ર સરકાર સંસદના ચાલી રહેલા ચોમાસું સત્રમાં 'પરિસીમન બિલ' લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલને સંસદમાં પસાર કરાવવા માટે સરકારને બે-તૃતિયાંશ બહુમતીની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં એનસીપી (શરદ પવાર જૂથ) ના ૮ સાંસદોનું સમર્થન સરકારની સંસદીય વ્યૂહરચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે, એનસીપી (એસપી) દ્વારા અગાઉ એવા સંકેત આપવામાં આવ્યા હતા કે જો સરકાર તમામ રાજ્યોમાં બેઠકોમાં ૫૦ ટકા વધારાની લેખિત ખાતરી આપે તો તેઓ આ બિલને સમર્થન આપવા વિચાર કરી શકે છે. સાંસદ સુપ્રિયા સુલેએ તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કાગળ પર ૫૦ ટકા બેઠકો વધારવાની શરત લખીને આપે, ત્યારબાદ જ આ મુદ્દે આગળ વાતચીત શક્ય બનશે.
બીજી તરફ, રાજકીય ગલિયારામાં એવી પણ અટકળો ચાલી રહી છે કે શરદ પવારની પાર્ટીનો એક જૂથ એનડીએ (NDA) માં સામેલ થવાની પેરવી કરી રહ્યું છે. જોકે, આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ હોવાનું જાણવા મળે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, શરદ પવાર જૂથ સાથે કોઈ પણ ઔપચારિક ગઠબંધન માટે પહેલી શરત એ છે કે એનસીપીના બંને જૂથોએ પોતાના આંતરિક મતભેદો ઉકેલીને એક થઈ જવું પડશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ શરદ પવાર કે તેમના નજીકના નેતાઓને વ્યક્તિગત ધોરણે એનડીએમાં લાવવાના પક્ષમાં નથી, પરંતુ તે સમગ્ર એનસીપીને એકીકૃત એકમ તરીકે જ ગઠબંધનમાં જોવા માંગે છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
