<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો જાહેર કર્યો : દેશના ૯.૪૪ કરોડ ખેડૂતોને મળી મોટી આર્થિક સહાય

ગુજરાતના ૫૧.૨૮ લાખ ધરતીપુત્રોના ખાતામાં રૂ. ૧,૦૨૫ કરોડથી વધુની રકમ સીધી જમા થઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલી ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાંથી દેશભરના કરોડો ખેડૂતો માટે અત્યંત મહત્વકાંક્ષી એવી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના” (પી.એમ. કિસાન) નો ૨૩મો હપ્તો સત્તાવાર રીતે રિલીઝ કર્યો છે. આ હપ્તા હેઠળ વડાપ્રધાને એક સિંગલ ક્લિક દ્વારા દેશના ૯.૪૪ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૧ race,૮૮૦ કરોડથી વધુની સહાય સીધી ટ્રાન્સફર કરી છે. આ અંતર્ગત ગુજરાતના ૫૧.૨૮ લાખ ધરતીપુત્રોને પણ રૂ. ૧,૦૨૫ કરોડથી વધુની સહાયનો સીધો લાભ મળ્યો છે.
આ ઐતિહાસિક અવસરને વધાવવા માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત (લાઈવ) પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો સહિત રાજ્યભરના હજારો ખેડૂતોએ ડિજિટલ માધ્યમથી નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપસ્થિત ખેડૂત લાભાર્થીઓને કૃષિ તેમજ બાગાયત વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરતીપુત્રોને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય, ખેતી વધુ સમૃદ્ધ બને અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બને તે દિશામાં સરકાર સતત કાર્યરત છે. ખેડૂતોની સમૃદ્ધિ, પાણીનું સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ વ્યવસ્થાના માધ્યમથી ગુજરાતને કૃષિ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો મક્કમ સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે, જેમાં ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. અગાઉ ગુજરાતમાં વરસાદ આધારિત ખેતી થતી હતી, પરંતુ આજે નર્મદા આધારિત મજબૂત સિંચાઈ વ્યવસ્થા અને નહેરોના આયોજનબદ્ધ વિસ્તરણથી ખેડૂતો ત્રણેય સિઝનમાં પાક લેતા થયા છે.
ચાલુ વર્ષે અલ-નીનોની અસરને કારણે ઓછા વરસાદની વ્યક્ત કરાયેલી શક્યતા સામે ખેડૂતોને ન ગભરાવાની અપીલ કરતા મુખ્યમંત્રીએ વૈજ્ઞાનિક અભિગમ સાથે ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકો અને યોગ્ય બિયારણની પસંદગી કરી આયોજનબદ્ધ ખેતી કરવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં એક મોટો નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે, નર્મદા કમાન્ડ વિસ્તાર આસપાસના તળાવો ભરવાની મર્યાદા ૩ કિલોમીટરથી વધારીને હવે ૭ કિલોમીટર કરવામાં આવી છે. આ ઉપરાંત નાના ખેડૂતોના પાક રક્ષણ માટેની તારની વાડ (ફેન્સિંગ) યોજનાની લઘુત્તમ પાત્રતા મર્યાદા ૫ હેક્ટરથી ઘટાડીને માત્ર ૧ હેક્ટર કરવામાં આવી છે, જેથી નાના અને સીમાંત ખેડૂતો પણ તેનો લાભ મેળવી શકશે. વળી, દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવી જળ સંરક્ષણ તેજ કરાયું છે અને દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની ફાળવણી કરીને રિચાર્જિંગ બોરના કાર્યોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઈ પણ વચેટીયા વગર સંપૂર્ણ પારદર્શી રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલી આ યોજના ખેડૂતોને બીજ, ખાતર અને દવા જેવી પાયાની જરૂરિયાતો માટે મોટો આર્થિક આધાર બની છે. રાજ્ય સરકારે પણ કુદરતી આફતોના સમયે ખેડૂતો માટે રૂ. ૧૧,૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરીને સંવેદનશીલતા દાખવી છે.
આ કાર્યક્રમના પ્રારંભે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ મહોત્સવમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડી, ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસ્મિન સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(7:13 PM IST)