<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રોઝગાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને સોંપ્યા નિમણૂક પત્રો : ૫૧,૦૦૦ થી વધુ યુવાઓને મળી સરકારી નોકરીની ભવ્ય ભેટ : જુઓ વિડીયો

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં નવનિયુક્ત ઉમેદવારો દેશના વિકાસમાં આપશે યોગદાન : વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમએ આપ્યો સફળતાનો મંત્ર

 નવી દિલ્હી:  દેશના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાના કેન્દ્ર સરકારના સંકલ્પ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય રોજગાર મેળા અંતર્ગત એક સાથે ૫૧,૦૦૦ થી વધુ યુવાનોને સરકારી નોકરીના સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કર્યા છે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન દેશભરમાં અલગ-અલગ સ્થળોએ કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈને યુવાનોને સંબોધિત કર્યા હતા અને દેશ સેવામાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નવનિયુક્ત ઉમેદવારોને કેન્દ્ર સરકારના વિવિધ મહત્વના મંત્રાલયો અને વિભાગોમાં તૈનાત કરવામાં આવશે, જેમાં રેલવે, પોસ્ટ, ગૃહ મંત્રાલય, મહેસૂલ અને બેન્કિંગ સેક્ટર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ નિમણૂક પત્રો માત્ર એક નોકરીની શરૂઆત નથી, પરંતુ દેશના અમૃત કાળમાં રાષ્ટ્ર નિર્માણના અતિ મહત્વના કાર્યોમાં ભાગીદાર બનવાની એક સુવર્ણ તક છે. સરકાર પારદર્શી અને ઝડપી ભરતી પ્રક્રિયા દ્વારા યુવાનોના સપના સાકાર કરવા કટિબદ્ધ છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને સરકારી સેવામાં જોડાયા પછી પણ સતત નવું શીખતા રહેવા અને પોતાની કાર્યક્ષમતા વધારવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે સરકારના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ 'કર્મયોગી પ્રારંભ' નો ઉલ્લેખ કર્યો હતો, જે સરકારી કર્મચારીઓને આધુનિક કૌશલ્યોથી સજ્જ થવામાં મદદ કરે છે. આ રોજગાર મેળો દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને વહીવટી તંત્રને વધુ મજબૂત અને યુવા ઊર્જાથી સભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દેશભરમાંથી પસંદગી પામેલા આ યુવા ઉમેદવારો અને તેમના પરિવારોમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષો ભલે રોજગારીના મુદ્દે સરકારની ટીકા કરતા હોય, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે આયોજિત થતા આ મોટા પાયાના રોજગાર મેળાઓ યુવાનોમાં એક નવો આત્મવિશ્વાસ પેદા કરી રહ્યા છે અને સરકારી તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવી રહી છે.

(4:34 PM IST)