<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

BRICS સમિટ 2026: રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત કન્ફ્રર્મ : ૧૧ સપ્ટેમ્બરે PM મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા

બ્રિક્સ સંમેલનની તૈયારીઓ પૂરજોશમાં : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત વૈશ્વિક નેતાઓ હાજરી આપશે

નવી દિલ્હી : ૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ૧૮મા બ્રિક્સ (BRICS) શિખર સંમેલન માટે તૈયારીઓ આખરી ઓપ લઈ રહી છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મોસ્કોથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. શિખર સંમેલન વિધિવત શરૂ થાય તે પહેલાં, શુક્રવાર ૧૧ સપ્ટેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે.

દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે બંને વરિષ્ઠ નેતાઓ ખૂબ નજીક છે અને સતત સંપર્કમાં રહે છે. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઉત્તમ તક પૂરી પાડશે. આ ઉપરાંત બ્રિક્સ દેશો વચ્ચે રાષ્ટ્રીય ચલણમાં કરાતા ૯૦% વ્યવહારોનું લક્ષ્ય હાંસલ કરી લેવાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

 

 ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કિર્ગિસ્તાનના બિશ્કેક ખાતે યોજાયેલી ૨૬મી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં PM મોદી, પુતિન અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.

 આ પરિષદમાં દક્ષિણ આફ્રિકાના સિરિલ રામાફોસા, ઇજિપ્તના અબ્દેલ ફત્તાહ અલ-સીસી, ઇન્ડોનેશિયાના પ્રબોવો સુબિયાન્ટો, ઈરાનના મસૂદ પેઝેશ્કિયાન, ઇથોપિયાના અબી અહેમદ, બેલારુસના એલેક્ઝાન્ડર લુકાશેન્કો, કઝાકિસ્તાનના કાસિમ-જોમાર્ટ ટોકાયેવ, મલેશિયાના અનવર ઇબ્રાહિમ અને થાઇલેન્ડના અનુતિન ચાર્નવિરાકુલ જેવા વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે.

 બ્રિક્સ હાલ ૧૧ પૂર્ણ સભ્યો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ અને ઇન્ડોનેશિયા) ધરાવે છે. આ સિવાય બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ જેવા ૧૦ ભાગીદાર દેશો પણ આ જૂથનો હિસ્સો છે.

(7:02 PM IST)