તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
પીએમ તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે વડાપ્રધાન મોદીને સત્તામાં ૨૫ વર્ષ પૂર્ણ
દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

નવી દિલ્હી તા.૭: વડાપ્રધાન મોદીને સત્તામાં આજે ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. જેથી ભાજપ દ્વારા આજે દેશભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ઓકટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યાંથી તેમની સફળ શરૃ થઈ હતી. આજે ૭ ઓકટોબર ૨૦૨૬માં પણ તેઓ સત્તા પર છે. પીએમ તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે સત્તામાં તેમને આજે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ભાજપ અને એનડીએ દ્વારા આજે દેશમાં અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી આજે દિલ્હીમાં ભાજપ દ્વારા આયોજિત સેવા જ્યોતિ કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને સાંભળવા માટે ૫૦૦૦ લોકો હાજર રહેશે. એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમનું દેશમાં અલગ અલગ જગ્યાએ લાઈવ પણ દેખાડવામાં આવશે.
ભાજપ આજે અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુગ્રામમાં સેવા જ્યોતિ યાત્રામાં ભાગ લેશે. હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિહ સૈની અને પક્ષના હરિયાણાના પ્રભારી સ્મૃતિ ઈરાની પણ તેમાં ઉપસ્થિત રહેશે. આ સાથે દેશના રક્ષા પ્રધાન ગાઝિયાબાદમાં લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે પીએમ મોદી આજે પટનામાં વિકસિત ભારત સંકલ્પ સભાને પણ વર્ચ્યુઅલ સંબોધિત કરવાના છે.
મુંબઈમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યાં છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, વડોદરામાં ગરબા માટે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ હજારથી પણ વધારે યુવા એક સાથે ગરબા રમશે. આ એક વર્લ્ડ રેકોર્ડ હશે જેમાં એકસાથે આટલા લોકો ગરબે રમવાના છે. આ સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ ટુ જલ કક્ષ યાત્રા અને વારાણસી ટુ વડનગર અભિયાનના સમાપન સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો શિવરાજ સિહ ચૌહાણ અને ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
આ સાથે મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળે સરકારના વડા તરીકે સતત ૨૫ વર્ષ પૂર્ણ કરવા બદલ વડાપ્રધાનને અભિનંદન આપતો એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે 'આ માત્ર એક ઔપચારિક સન્માન કરતાં ઘણું વિશેષ છે, તે રાષ્ટ્ર પ્રથમ અને નાગરિક પ્રથમના સિદ્ધાંતોથી સંચાલિત વડાપ્રધાન મોદીની અસાધારણ યાત્રાની ઉજવણી છે. આ ઠરાવમાં એવી દસ મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે ગુજરાતમાં તેમના નેતૃત્વને ભારતમાં તેમના નેતૃત્વ સાથે જોડતી અખંડ કડીને દર્શાવે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
