<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પ્‍લાસ્‍ટિક પ્રોડક્‍ટ્‍સમાં ૪૦ થી ૮૦ ટકા સુધીનો ભાવ વધારો

મધ્‍યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને પગલે સ્‍થિતિ સર્જાઈ : કાચી સામગ્રીની સપ્‍લાય ખોરવાતા ઉત્‍પાદન ખર્ચમાં વધારો

નવી દિલ્‍હી,તા.૧૫: વૈશ્વિક સ્‍તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્‍થિતિનો પ્રભાવ હવે સ્‍થાનિક બજારમાં સ્‍પષ્ટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્‍લાસ્‍ટિક ઉદ્યોગમાં વપરાતા કાચા માલ એટલે કે પ્‍લાસ્‍ટિક દાણાના ભાવમાં ભારે વધારો થતા પ્‍લાસ્‍ટિકમાંથી બનેલી તમામ વસ્‍તુઓ મોંઘી બની ગઈ છે. છેલ્‍લા માત્ર ૧૫ દિવસમાં જ પ્‍લાસ્‍ટિક પ્રોડક્‍ટ્‍સના ભાવમાં અંદાજે ૪૦ થી ૮૦ ટકા સુધીનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવે છે. ગલ્‍ફ દેશોમાંથી આયાત થતી કાચી સામગ્રીની સપ્‍લાય ખોરવાતા ઉત્‍પાદન ખર્ચમાં વધારો થયો છે. જેના સીધા પરિણામે પાણીની બોટલ, પેકેજિગ સામગ્રી, પ્‍લાસ્‍ટિક બેગ, કિચનવેર, ગ્‍લાસ, ચમચી અને ડિશ જેવી દૈનિક વપરાશની વસ્‍તુઓના ભાવ વધી ગયા છે.

સ્‍થાનિક વેપારી જણાવે છે કે, પ્‍લાસ્‍ટિક દાણાના ભાવમાં અચાનક થયેલા વધારાના કારણે કાચો માલ મેળવવામાં મુશ્‍કેલી ઉભી થઈ છે. અગાઉ રૂ. ૧૦૫ થી ૧૧૦ સુધી મળતી કેટલીક વસ્‍તુઓ હવે રૂ. ૯૦ આસપાસ પહોંચી ગઈ છે અને ઘણી વસ્‍તુઓમાં ૭૦ થી ૮૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેના કારણે ગ્રાહકો પર સીધો આર્થિક ભાર વધ્‍યો છે. વેપારીઓના જણાવ્‍યા અનુસાર વધેલા ભાવને કારણે બજારમાં થરાકી લગભગ ૫૦ ટકા સુધી ઘટી ગઈ છે. ચાહકો ભાવ સાંભળતા જ ખરીદી કર્યા વગર પરત ફરી જાય છે, જેના કારણે

વેપારીઓ માટે સ્‍થિતિ મુશ્‍કેલ બની છે. પ્‍લાસ્‍ટિક બેગના ભાવમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્‍યો છે. માત્ર ૧૫ દિવસ પહેલાં પ્રતિ કિલો રૂ. ૧૪૦માં મળતી બેગ હવે રૂ. ૨૦૦ સુધી પહોંચી ગઈ છે, એટલે કે આશરે ૪૦ ટકા વધારો નોંધાયો છે.

સેલોટેપના બંડલના રૂા.૧૭૦૦ના સીધા રૂા.૨૪૦૦ થયા

સેલોટેપ જેવી વસ્‍તુઓના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ ૫૦ નંગનું બંડલ રૂ. ૧૭૦૦માં મળતું હતું, જે હવે વધીને રૂ.૨૪૦૦ સુધી પહોંચી ગયું છે. રાજકોટની અનેક પ્‍લાસ્‍ટિક ફેક્‍ટરીઓમાં ઉત્‍પાદન ઘટતા વેપાર પર નકારાત્‍મક અસર પડી રહી છે. પ્‍લાસ્‍ટિક પ્રોડકટ્‍સ મોંઘી બનતા ગ્રાહકો હવે પેપરથી બનેલી વસ્‍તુઓ તરફ વળ્‍યા છે. પેપર ડિશ, ગ્‍લાસ અને પેકેજિગ સામગ્રીની માંગ વધતા તેમાં પણ ૧૦ થી ૧૫ ટકા ભાવ વધારો નોંધાયો છે.

પ્‍લાસ્‍ટિક અને પેપર બંને પ્રોડક્‍ટ્‍સના વધતા ભાવને કારણે મુશ્‍કેલી

વેપારીઓના જણાવ્‍યા મુજબ પેપર પ્રોડક્‍ટ્‍સમાં પણ પ્‍લાસ્‍ટિક કોટિગનો ઉપયોગ થતો હોવાથી ઉત્‍પાદન ખર્ચ વધી ગયો છે. હાલ બજારમાં માત્ર ૬૦ ટકા જેટલો જ માલ આવી રહ્યો છે, જેના કારણે માગ અને સપ્‍લાય વચ્‍ચેનું સંતુલન બગડયું છે. પ્‍લાસ્‍ટિક અને પેપર બંને પ્રોડક્‍ટ્‍સના વધતા ભાવને કારણે ગ્રાહકો તેમજ વેપારીઓ બને મુશ્‍કેલી અનુભવી રહ્યા છે. વેપારીઓના જણાવ્‍યા મુજબ આવનારા સમયમાં નવા સ્‍ટોક વધુ ઊંચા ભાવ સાથે બજારમાં આવવાની શક્‍યતા છે.

(10:18 AM IST)