તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
પૂર્વ ARTO લલિત કુમારના ઘરેથી મળ્યો ‘અધધધ ખજાનો ':1.62 કરોડ રોકડા અને 15 પ્લોટના દસ્તાવેજ જપ્ત
સોના-ચાંદીના બિસ્કિટ અને મોંઘા આભૂષણોનો મોટો જથ્થો તેમજ બે લક્ઝરી કાર, એક રિવોલ્વર અને વિવિધ બેંક ખાતા, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ તથા ફિક્સ્ડ ડિપોઝિટના મહત્ત્વના દસ્તાવેજો જપ્ત

ઉત્તર પ્રદેશ વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં આગરાના પૂર્વ ARTO લલિત કુમારની અપ્રમાણસર મિલકત જમા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના લખનઉમાં આવેલા નિવાસસ્થાનેથી મળેલી સંપત્તિ જોઈને તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી.
ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂપે ઉત્તર પ્રદેશ વિજિલન્સ ટીમે એક પૂર્વ ARTO પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. લલિત કુમાર લાંબા સમયથી તપાસના દાયરામાં હતા. 7 અને 8 જુલાઈના રોજ વિજિલન્સ ટીમે જ્યારે તેમના લખનૌ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા, ત્યારે ત્યાંથી અઢળક સંપત્તિ મળી આવી હતી.
તપાસ દરમિયાન વિજિલન્સ ટીમને નીચે મુજબની વસ્તુઓ અને દસ્તાવેજો મળી આવ્યા છે:
રોકડ રકમ: અંદાજે 1.62 કરોડ રૂપિયાની રોકડ.
કિંમતી ધાતુઓ: સોના-ચાંદીના બિસ્કિટ અને મોંઘા આભૂષણોનો મોટો જથ્થો.
સ્થાવર મિલકત: કુલ 15 જેટલા પ્લોટના દસ્તાવેજો.
અન્ય: બે લક્ઝરી કાર, એક રિવોલ્વર અને વિવિધ બેંક ખાતા, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ તથા ફિક્સ્ડ ડિપોઝિટના મહત્ત્વના દસ્તાવેજો.
લલિત કુમાર જ્યારે આગરામાં ARTO તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમની પાસે આવકના સ્ત્રોત કરતા ઘણી વધારે સંપત્તિ હોવાની ફરિયાદો મળી હતી. વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન લલિત કુમાર આટલી મોટી સંપત્તિ અને રોકડના કોઈ પણ કાયદેસરના સ્ત્રોત જણાવી શક્યા ન હતા. વધુમાં, તપાસમાં સહકાર ન આપવો અને દસ્તાવેજો છુપાવવા બદલ તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે વિજિલન્સ ટીમ આ તમામ નાણાકીય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તે જાણી શકાય. આગામી સમયમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
