<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' દાવ : રિપબ્લિકન પાર્ટી જીતશે તો દરેક પુખ્ત નાગરિકના ખાતામાં $૫,૦૦૦ જમા કરાવવાનું વચન : મતદારોને 'રેવડી' વહેંચવાની નવી કવાયત! : જુઓ વિડીયો

​૧.૨ ટ્રિલિયન ડોલરના અધધધ ખર્ચે દેશ કંગાળ થશે કે નાગરિકો માલામાલ? વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે ટેરિફની 'અદ્ભુત કમાણી' માંથી પ્રજાને ભાગીદાર બનાવવાની અનોખી વાતોથી બચાવ કર્યો : ન્યૂઝફર્સ્ટ

​વોશિંગ્ટન (ન્યૂઝફર્સ્ટ): અમેરિકાની ચૂંટણીઓમાં પણ હવે મતદારોને આકર્ષવા માટે ભારતીય રાજકારણ જેવી 'રેવડી સંસ્કૃતિ' અને રોકડ રકમની લહાણીના વચનોનો પ્રવેશ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતવા માટે એક સનસનાટીભર્યો દાવ ખેલતા એવો દાવો કર્યો છે કે જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં બહુમતી મેળવશે, તો તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના દરેક પુખ્ત નાગરિકને $૫,૦૦૦ (આશરે ૪ લાખથી વધુ રૂપિયા) નું 'ડિવીડન્ડ' એટલે કે રોકડ ઇનામ આપશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે, 'માત્ર હું જ તમને આ વચન આપી શકું છું.'

​૧.૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ - દેશને નાદાર બનાવવાનો પ્રયાસ કે મત ખરીદવાનો ખેલ?
​અમેરિકામાં હાલમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોની સંખ્યા આશરે ૨૪.૫ કરોડ (૨૪૫ મિલિયન) છે. જો આ તમામ નાગરિકોને $૫,૦૦૦ ની રકમ ચૂકવવામાં આવે તો અમેરિકી તિજોરી પર ૧.૨ ટ્રિલિયન ડોલરનો જંગી બોજો પડે તેમ છે. આ જાહેરાત બાદ અમેરિકી મીડિયામાં ભારે સરગર્મી વધી ગઈ છે. એક લાઈવ ટીવી પ્રોગ્રામ દરમિયાન એન્કરે આ મુદ્દે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સને આડે હાથ લેતા સીધો સવાલ પૂછ્યો હતો કે, "દરેક પુખ્ત નાગરિક માટે $૫,૦૦૦ એટલે કે ૧.૨ ટ્રિલિયન ડોલર થાય! પ્રમુખ સીધી રીતે મતદારોને લાંચ આપી રહ્યા છે અને દેશને નાદાર બનાવવાની દિશામાં ધકેલી રહ્યા છે."

​આ તો કમાણીનો હિસ્સો છે - જે.ડી. વેન્સનો અનોખો તર્ક:
​ટીવી એન્કરના આ તીખા પ્રશ્ન સામે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે પોતાની સરકારના આ વચનનો બચાવ કરતાં અત્યંત રસપ્રદ તર્ક રજૂ કર્યો હતો. તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, "અમે લાદેલા આયાત વેરા (ટેરિફ) ને કારણે દેશમાં પુષ્કળ આવક ઊભી થઈ છે. પ્રમુખ તો બસ એટલું જ કહી રહ્યા છે કે જો તમે અમને સત્તામાં જાળવી રાખશો, તો અમે જે આ અદ્ભુત સંપત્તિ ઊભી કરી રહ્યા છીએ, તેના લાભનો એક હિસ્સો તમને પણ મળશે!"

​આમ, ટેરિફની કમાણીમાંથી પ્રજાને રોકડા આપીને સત્તા મેળવવાની આ અનોખી "શેરહોલ્ડર સ્કીમ" અમેરિકી રાજકારણમાં હાલમાં હાસ્ય અને ભારે વિવાદનો વિષય બની છે.

(12:39 PM IST)