<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ઈન્શ્યોરન્સ સેક્ટરમાં મોટા ફેરફારની તૈયારી: IRDAI એ ૧૬૦ પેજના કન્સલ્ટેશન પેપરમાં રજૂ કર્યા ૫ મહત્વના પ્રસ્તાવો, ગ્રાહકોને થશે સીધો ફાયદો

કમિશન ટ્રાન્સપરન્સી, ડાર્ક પેટર્ન પર લગામ અને પ્રીમિયમ કમિશનની નવી મર્યાદાઓથી વિમા ક્ષેત્રમાં બદલાશે સમીકરણો

હૈદરાબાદ, તા.૨૪: ભારતીય વીમા નિયમનકાર IRDAI (ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા વધારવા માટે એક ૧૬૦ પેજનું વિગતવાર કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. આ પેપરમાં કંપનીઓના ખર્ચ અને કમિશનની મર્યાદાથી લઈને લોન સાથે પ્રોડક્ટ વેચવા સુધીના નિયમોમાં મોટા સુધારા સૂચવવામાં આવ્યા છે. જોકે, આ હાલમાં માત્ર દરખાસ્તો છે અને અંતિમ નિયમો જાહેર થવાના બાકી છે.

આ પ્રસ્તાવિત નિયમોમાં સૌથી મહત્વનો ફેરફાર કમિશન ટ્રાન્સપરન્સી નો છે. હવેથી પોલિસી ડોક્યુમેન્ટ પર જ એજન્ટ કે બેંકને કેટલું કમિશન મળી રહ્યું છે તેની સ્પષ્ટ માહિતી આપવી પડશે, જેથી ગ્રાહકો સમજી-વિચારીને નિર્ણય લઈ શકે. આ ઉપરાંત, મોટર ઈન્શ્યોરન્સમાં કમિશન ૫ ટકાથી વધુ ન રાખવાની અને તેને વિવિધ માર્કેટ પ્લેટફોર્મ પર સમાન રીતે ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરાઈ છે.

ગ્રાહકોને ખોટી રીતે પરેશાન કરતી ડાર્ક પેટર્ન પર પણ કાપ મૂકવાની તૈયારી છે. ફક્ત પોલિસીના ફીચર્સ કે ભાવ જાણવા માટે ગ્રાહકનો ફોન નંબર કે ઈમેઈલ આઈડી માંગવાની ફરજ પાડી શકાશે નહીં, જેનાથી કોલ સેન્ટરોના બિનજરૂરી સ્પામ કોલ્સથી રાહત મળશે. તે સિવાય ઈન્શ્યોરન્સ કંપનીઓના એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ (EOM) ની સીમા ઘટાડીને લાઈફ ઈન્શ્યોરન્સ માટે આગામી બે વર્ષમાં ૨૫ ટકા અને પાંચ વર્ષમાં ૨૦ ટકા કરવાની તેમજ અલગ-અલગ સેગમેન્ટ (જેમ કે મોટર, હેલ્થ) માટે કમિશનની અલગ મર્યાદા નક્કી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

(5:41 PM IST)