<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રૂપિયા 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા મધુર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન

નવનિર્મિત પ્લાન્ટની પ્રતિદિન 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા જેને 5 લાખ લિટર સુધી પણ વિસ્તૃત કરી શકાશે. નવીન ડેરીથી સ્થાનિક દૂધ ઉત્પાદકોને થશે ફાયદો. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળશે.

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રૂપિયા 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા મધુર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રતિદિન 2,76,000 લીટર સંપાદન ક્ષમતા સાથે મધુર ડેરી કાર્યરત. હાલ મધુર ડેરીનું વાર્ષિક 628 કરોડનું ટર્ન ઓવર. નવનિર્મિત પ્લાન્ટની પ્રતિદિન 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા જેને 5 લાખ લિટર સુધી પણ વિસ્તૃત કરી શકાશે. નવીન ડેરીથી સ્થાનિક દૂધ ઉત્પાદકોને થશે ફાયદો. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તે ગાંધીનગરમાં નવા મધુર ડેરીના અત્યાધુનિક પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નવો પ્લાન્ટ જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટથી સહકારી ક્ષેત્રને વધુ વેગ મળશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે.

નવા મધુર ડેરીના અત્યાધુનિક પ્લાન્ટ અંદાજે રૂ.128 કરોડના ખર્ચે 15 એકર જમીન પર આ અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ હાલમાં દૈનિક 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા ધરાવે છે, જેને ભવિષ્યમાં વધારીને દૈનિક 5 લાખ લિટર સુધી પહોંચાડી શકાશે. આ પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો 75 ટકા નફો સીધો જ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી પશુપાલકોને તેમના દૂધના પોષણક્ષમ અને પૂરતા ભાવ મળી રહેશે.

ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું હતું કે, માત્ર 4 મંડળી અને 6000 લિટર દૂધથી શરૂ થયેલી આ સફર આજે 3 લાખ લિટરથી વધુ દૂધ પ્રોસેસિંગ સુધી પહોંચી છે. ડેરી સેક્ટર દ્વારા મહિલા સશક્તિકરણનું મોટું કામ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામીણ બહેનો આર્થિક રીતે પગભર થઈને 'શેઠ'ની જેમ ચેક આપતી થઈ છે. અમૂલના માધ્યમથી દરરોજ રૂ. 200 કરોડ 36 લાખ બહેનોના ખાતામાં જમા થાય છે. અમૂલની સુગર ફ્રી ચોકલેટ દેશમાં પ્રથમ ક્રમે છે. હવે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અમૂલનું AI સેક્ટર પણ કામ કરશે, જેમાં AI સહાયકનું નામ 'સરલાબેન' રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં ડેરીની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

(5:22 PM IST)