તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
હરિયાણાથી દિલ્હી સુધી હાઇડ્રોજન ટ્રેન દોડાવવાની તૈયારી: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મુસાફરો ન મળતાં રસ્તો લંબાવવા રેલવે મજબૂર, હવે આઝાદપુર સુધી લંબાવાશે રૂટ
૨૬૦૦ની ક્ષમતા સામે માત્ર ૫૦ મુસાફરો મળતાં રેલવેનો મોટો નિર્ણય; આઝાદપુર મંડીના વેપારીઓ અને દૈનિક મુસાફરોને મળશે સીધો ફાયદો

જિંદ, તા.૧૮: દેશની પ્રથમ અને સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી હાઇડ્રોજન ટ્રેનને લઇને એક મોટો સમાચાર સામે આવ્યો છે. ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી શરૂ કરાયેલી આ ક્લીન એનર્જી ટ્રેનને હાલમાં મુસાફરોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણાના જિંદથી સોનિપત વચ્ચે દોડતી આ ટ્રેનમાં ૨૬૦૦ મુસાફરોની ક્ષમતા સામે માત્ર ૪૦ થી ૬૦ મુસાફરો જ મુસાફરી કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને હવે રેલવે વિભાગે આ ટ્રેનના રૂટને દિલ્હીના આઝાદપુર સુધી લંબાવવાની કવાયત હાથ ધરી છે.
છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી આ હાઇડ્રોજન ટ્રેનમાં મુસાફરો ન મળવાને કારણે રેલવેને આર્થિક ફટકો પડી રહ્યો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, જિંદ અને સોનિપત વચ્ચે દૈનિક મુસાફરો અને ઔદ્યોગિક કામદારોની સંખ્યા પહેલેથી જ ઓછી હતી, જેના કારણે અગાઉની ડીએમયુ (DEMU) ટ્રેનોમાં પણ ભીડ થતી નહોતી. હવે જો આ ટ્રેનને દિલ્હીના આઝાદપુર સ્ટેશન સુધી લંબાવવામાં આવે, તો શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં આવતા વેપારીઓ તથા દિલ્હી-હરિયાણા વચ્ચે અવરજવર કરતા મુસાફરોનો મોટો વર્ગ મળી શકે તેમ છે.
જોકે, આ ટ્રેનનો રૂટ દિલ્હી સુધી લંબાવવામાં કેટલીક ટેકનિકલ અને ઓપરેશનલ મુશ્કેલીઓ પણ છે. દિલ્હીનું રેલવે નેટવર્ક પહેલેથી જ ભારે ટ્રાફિક ધરાવે છે અને ત્યાં સામાન્ય રીતે ૧૮ થી ૨૦ કોચની ટ્રેનો દોડે છે, જ્યારે આ હાઇડ્રોજન ટ્રેન ૧૦ કોચની છે. હાલમાં રેલવેની ખાસ ટીમ આના ટેકનિકલ પાસાઓ અને ટ્રેકના સ્લોટ્સ અંગે રિસર્ચ રિપોર્ટ તૈયાર કરી રહી છે. તમામ પાસાઓની તપાસ કર્યા બાદ ટૂંક સમયમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
