News of Monday, 16th November 2026
ભારતીય સેનામાં ફેરફારની તૈયારીઃ ‘બ્રિગેડિયર' રેન્ક નાબૂદ કરવાનો પ્રસ્તાવઃ કર્નલને સીધું મેજર જનરલનું પ્રમોશન મળશે
સિવિલ સર્વિસીસ સાથે પગાર અને પ્રમોશનની અસમાનતા દૂર કરવા આઠમા પગાર પંચ સમક્ષ ભલામણ રજૂ કરાશે નિયમિત અધિકારીઓ માટે મેજર જનરલ લઘુત્તમ નિવળત્તિ રેન્ક બનવાની શકયતાઃ નૌકાદળ અને વાયુસેનાના સમકક્ષ પદો પર પણ પડશે સીધી અસર

નવી દિલ્હી, ત.૧૬: ભારતીય સેના તેના દાયકાઓ જૂના રેન્ક માળખામાં એક અત્યંત ક્રાંતિકારી અને ઐતિહાસિક ફેરફાર કરવાની દિશામાં ગંભીરતાથી આગળ વધી રહી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનામાંથી બ્રિગેડિયરનો રેન્ક સંપૂર્ણપણે નાબૂદ કરીને કર્નલ પદ પરથી સીધા જ મેજર જનરલ તરીકે બઢતી આપવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં સેનાનું પિરામિડ આકારનું માળખું હોવાથી પ્રમોશનમાં ભારે વિલંબ થાય છે, જેના કારણે એક સૈન્ય અધિકારીને મેજર જનરલના પગાર સ્તર સુધી પહોંચવામાં સરેરાશ ૩૨થી ૩૩ વર્ષ લાગે છે, જ્યારે IAS, IPS અને IFS જેવા સિવિલ સર્વિસ અધિકારીઓ માત્ર ૧૬થી ૧૮ વર્ષમાં આ સ્તરે પહોંચી જાય છે. આ ભારે અસમાનતા દૂર કરવા માટે આગામી એકાદ મહિનામાં ભલામણોને અંતિમ સ્વરૂપ આપીને સંરક્ષણ મંત્રાલય મારફતે આઠમા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ ઐતિહાસિક દરખાસ્ત અંગે અગાઉ વર્ષ ૨૦૧૮માં તત્કાલીન આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતળત્વ હેઠળના કેડર અભ્યાસમાં પણ મંથન થયું હતું, પરંતુ ત્યારે તેનો અમલ થઈ શકયો ન હતો. નવા પ્રસ્તાવ મુજબ, હાલમાં બ્રિગેડિયર જે બ્રિગેડનું નેતળત્વ કરે છે તેની કમાન્ડ હવે મેજર જનરલ સંભાળશે અને સાથે જ ડિવિઝન-સ્તરની જવાબદારીઓ પણ નિભાવશે, ઉપરાંત નિયમિત અધિકારીઓ માટે મેજર જનરલ લઘુત્તમ નિવળત્તિ રેન્ક બની શકે છે. સેનાના આધુનિકીકરણ હેઠળ સક્રિય કરાયેલા આશરે ૫,૦૦૦ સૈનિકોના પાંચ ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સની કમાન્ડ પણ મેજર જનરલ પાસે હોવાથી આ ફેરફાર કમાન્ડ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
આ નિર્ણય માત્ર ભૂમિદળ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેની સીધી અસર ભારતીય નૌકાદળના કોમોડોર અને ભારતીય વાયુસેનાના એર કોમોડોર જેવા બ્રિગેડિયર સમકક્ષ રેન્ક પર પણ પડશે. જો કે, આ પ્રસ્તાવને જમીની સ્તરે લાગુ કરવા માટે હાલના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનું સમાયોજન, ત્રણેય પાંખો વચ્ચેનું સંકલન અને કમાન્ડની જવાબદારીઓની વહેંચણી જેવા વહીવટી પડકારોનો ઉકેલ લાવવો જરૂરી બનશે. જો સરકાર દ્વારા આ ભલામણને લીલી ઝંડી આપવામાં આવશે, તો તે સૈન્ય અધિકારીઓનું મનોબળ વધારવાની સાથે દેશની સંરક્ષણ પ્રણાલીના સમગ્ર કારકિર્દી માળખામાં નવો અધ્યાય લખશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
