<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

બંગાળમાં 'બુલડોઝર' એક્શનની તૈયારી: અભિષેક બેનર્જીની 17 મિલકતો પર ખતરો!

સત્તા પરિવર્તન પછી મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની જોરદાર એક્શન : મમતા બેનર્જીના ભત્રીજાને ફટકારી નોટિસ: 7 દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અલ્ટીમેટમ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતાની સાથે જ રાજકીય સમીકરણો અને કાર્યવાહીના તેવર બદલાઈ ગયા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ ના નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ તેજ કરી દીધી છે. આ કડીમાં સૌથી મોટો ફટકો મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પડ્યો છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન એ અભિષેક બેનર્જી સાથે જોડાયેલી ૧૭ મિલકતોને અનધિકૃત ગણાવી ૧૯૮૦ના કાયદાની કલમ ૪૦૦ (૧) હેઠળ નોટિસ ફટકારી છે. આ મિલકતોમાં હરીશ મુખર્જી રોડ અને કાલીઘાટ જેવા વીવીઆઈપી વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં સાત દિવસમાં ખુલાસો ન મળે તો બુલડોઝર ચલાવવાની તૈયારી છે.

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરને ચાર મોટા નામોની યાદી સોંપવામાં આવી છે, જેમાં અભિષેક બેનર્જીની 'લીપ્સ એન્ડ બાઉન્ડ્સ' પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મિલકતોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે ભ્રષ્ટાચાર દ્વારા ઉભી કરાયેલી ગેરકાયદે સંપત્તિઓની તપાસ થશે અને દોષિતોને જેલમાં ધકેલવામાં આવશે. આ નોટિસ માત્ર રહેણાંક મકાનો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સાંસ્થાનિક મિલકતો અને અભિષેકના માતા-પિતાના નામે રહેલી મિલકતોનો પણ સમાવેશ થાય છે, જેને કારણે બેનર્જી પરિવારની મુશ્કેલીઓ વધી છે.

આ રાજકીય લડાઈ હવે રસ્તા પરથી કાયદાકીય જંગ તરફ વળી રહી છે. સરકારમાં બીજા ક્રમના મંત્રી દિલીપ ઘોષે પણ સ્પષ્ટ કર્યું છે કે નગરપાલિકા કોઈ પણ ભેદભાવ વગર ગેરકાયદે બાંધકામોની તપાસ કરશે. એક તરફ મિલકતો તોડી પાડવાના સંકેતો છે, તો બીજી તરફ મુખ્યમંત્રીએ પથ્થરબાજોને પણ કડક ચેતવણી આપી છે કે બંગાળમાં હવે જમ્મુ-કાશ્મીર જેવી કડક વ્યવસ્થા લાગુ થશે. વિરોધ પક્ષના નેતાઓ સામેની આ કડક કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(8:36 PM IST)