<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પ્રયાગરાજમાં ૪૪ રજવાડાંઓની રૂ. ૧૨,૦૦૦ કરોડની બેનામી મિલકતો પર બુલડોઝર એક્શનની તૈયારી! દાયકાઓ જૂના ગેરકાયદે કબ્જાઓ પર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક

જયપુર, ગ્વાલિયર અને રેવા સહિત ૧૦ રાજ્યોના પૂર્વ રાજવી ઘરાનાઓની ૭૫% સંપત્તિ પર સ્થાનિકોનું અતિક્રમણ; તપાસ માટે કલેક્ટર કક્ષાની એસઆઈટી (SIT) સમિતિની રચના

પ્રયાગરાજ, તા.૧૭: સંગમનગરી પ્રયાગરાજના પૌરાણિક, ધાર્મિક અને વ્યૂહાત્મક મહત્વને કારણે પ્રાચીન સમયમાં દેશભરના પ્રખ્યાત રાજા-મહારાજાઓએ અહીં ભવ્ય મહેલો, હવેલીઓ, ધર્મશાળાઓ અને ઘાટોનું નિર્માણ કરાવ્યું હતું. સમય જતાં રજવાડાઓ નાબૂદ થયા, પરંતુ કુંભનગરીમાં સ્થિત આ સંપત્તિઓની કિંમત આજે અબજો રૂપિયામાં આંબી ગઈ છે. એક સત્તાવાર સરકારી સર્વે મુજબ, પ્રયાગરાજમાં દેશના લગભગ ૪૪ જેટલા ભૂતપૂર્વ રાજવી પરિવારોની રૂ. ૧૨,૦૦૦ કરોડથી પણ વધુ મૂલ્યની મિલકતો આવેલી છે. જોકે, દૂધમાંથી પોરા કાઢવા જેવી વાસ્તવિકતા એ છે કે આમાંથી ૭૦ થી ૭૫ ટકા મિલકતો પર દાયકાઓથી કબ્જામાફિયાઓ અને સ્થાનિક રહેવાસીઓએ અડ્ડો જમાવી દીધો છે.

હવે ઉત્તર પ્રદેશ સરકાર સહિત સંબંધિત અન્ય ૧૦ રાજ્યોની સરકારો હરકતમાં આવી છે અને આ ઐતિહાસિક વારસાને માફિયાઓથી મુક્ત કરાવવા માટે આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને જયપુર રાજવંશના વારસદાર દિયા કુમારીએ આ મામલે સક્રિયતા દાખવી યુપી સરકાર સાથે ઉચ્ચ સ્તરીય પત્રવ્યવહાર કર્યો હતો, જેના પગલે કટરા, મેંહદૌરી અને ટાગોર ટાઉન વિસ્તારમાં ફેલાયેલી ૩૫ એકરથી વધુ જમીન પર કાનૂની આક્રમણ શરૂ કરાયું છે. આ સિવાય બિહારના બેતિયા રાજવી પરિવારની મિલકતો માટે પણ પટનાથી વિશેષ આદેશો છૂટ્યા છે.

આ મેગા મિલકતોમાં મધ્યપ્રદેશનું રેવા અને સિંધિયા રાજવંશનું ગ્વાલિયર રાજ્ય, બિહારનું દરભંગા અને બેતિયા, રાજસ્થાનનું જોધપુર અને હોલ્કર રાજ્ય તેમજ પૂર્વ વડાપ્રધાન વી.પી. સિંહના માંડા રાજવી પરિવારની કિંમતી જમીનોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ સરકારે આ કિંમતી જમીનોના સરકારી કાગળો ચકાસવા અને દબાણો દૂર કરવા માટે એડીએમ સિટી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને મુખ્ય મહેસૂલ અધિકારીઓ ધરાવતી એક શક્તિશાળી એસઆઈટી સમિતિનું ગઠન કર્યું છે. સેંકડો પેન્ડિંગ કોર્ટ કેસો અને બોગસ ભાડૂઆતોના કાગળોની કડક ચકાસણી કરીને ટૂંક સમયમાં જ સરકારી ચોપડે આ રૂ. ૧૨,૦૦૦ કરોડનો ખજાનો પુનઃ નોંધવામાં આવશે.

(4:57 PM IST)