News of Friday, 11th September 2026
મહિલા અનામત બિલ માટે નવરાત્રિમાં સંસદના ખાસ સત્રની તૈયારી? BRICS સમિટ બાદ સરકાર લઈ શકે છે આખરી નિર્ણય
ચોમાસુ સત્ર અનિશ્ચિત મુદત માટે સ્થગિત ન કરાતા અટકળો તેજ: વિપક્ષી નેતા જયરામ રમેશે સરકારના આ નિર્ણય સામે ઉઠાવ્યા સવાલો

નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન કેન્દ્ર સરકાર સંસદનું ખાસ સત્ર બોલાવે તેવી શક્યતાઓને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સરકાર મહિલા અનામત અને સીમાંકન બિલ પસાર કરાવવાના મહત્વના એજન્ડા સાથે આ ખાસ સત્ર યોજવાની યોજના બનાવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ તુરંત સરકારે ખાસ સત્ર માટેના તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
સંસદનું તાજેતરનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ પણ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવ્યું ન હતું. આના કારણે જ દિલ્હીના રાજકીય ગલિયારામાં ખાસ સત્ર અંગેની અટકળોએ જોર પકડ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી બ્રિક્સ (BRICS) સમિટ પૂર્ણ થયા બાદ સરકાર આ મામલે આખરી નિર્ણય લઈ શકે છે. જો સરકાર ખાસ સત્ર યોજવાનો નિર્ણય કરશે, તો તે નવરાત્રિના ગાળામાં આયોજિત થઈ શકે છે. અન્યથા, ચોમાસુ સત્રને સત્તાવાર રીતે સ્થગિત જાહેર કરી દેવામાં આવશે.
બીજી તરફ, કોંગ્રેસના સિનિયર સાંસદ જયરામ રમેશે ‘X’ (ટ્વિટર) પર પોસ્ટ કરીને સરકારના આ વલણ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ચોમાસુ સત્ર પૂરું થયાને ૨૯ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેને સ્થગિત કરવામાં આવ્યું નથી, જે સરકારની અણઘડ નીતિ દર્શાવે છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સરકાર પોતાના જ જૂના રેકોર્ડ તોડી રહી છે અને વિપક્ષને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વિપક્ષ આવી સસ્તા હથકંડાથી ડરવાનો નથી.
ઉલ્લેખનીય છે કે, ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં ભારે હોબાળો અને ધાંધલધમાલ જોવા મળી હતી. સંસદના નિયમ મુજબ ૧૫ દિવસમાં ૯૦ કલાકનું કામકાજ થવું જોઈતું હતું, તેની સામે લોકસભામાં માત્ર ૧૫ કલાક અને ૩૬ મિનિટ જ કામ થઈ શક્યું હતું. જ્યારે રાજ્યસભામાં ૧૫ દિવસ દરમિયાન ૨૪ કલાક અને ૨૧ મિનિટ કામગીરી થઈ શકી હતી. આ સત્રમાં સરેરાશ એક બિલ પસાર કરવા માટે એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ચોમાસુ સત્ર કામગીરીની દ્રષ્ટિએ ધોવાઈ જતાં હવે મહિલા અનામત જેવા મહત્વના બિલ માટે ખાસ સત્ર બોલાવવાની અટકળોએ ભારે જોર પકડ્યું છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
