તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
કેન્દ્રીય કર્મચારીઓના પ્રમોશન અને નાણાકીય લાભના માળખામાં ધરખમ ફેરફારની તૈયારી: 8મા પગાર પંચ સમક્ષ MACP યોજના સમીક્ષા હેઠળ
મોડિફાઇડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન સ્કીમ હેઠળ હવે વર્ષોના લાંબા ઇંતજારને બદલે 5 વખત પ્રમોશનલ પે-સ્કેલનો લાભ આપવા વિવિધ કર્મચારી મંડળોની ઉગ્ર રજૂઆત; હાલની 10 વર્ષીય સિસ્ટમથી કર્મચારીઓમાં અસંતોષ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે આગામી 8મું પગાર પંચ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે. 8મા પગાર પંચ દ્વારા કર્મચારીઓની પ્રમોશનલ નીતિ અને નાણાકીય લાભો વધારવા માટે 'મોડિફાઇડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન' (MACP) સ્કીમમાં વ્યાપક ફેરફારો કરવા ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારી મંડળો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી તીવ્ર રજૂઆતો બાદ હવે આ યોજનાનું નવેસરથી મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેની સીધી અને મોટી અસર દેશભરના સરકારી કર્મચારીઓના પગાર ધોરણ પર પડશે.
સર્વે ઓફ ઇન્ડિયાના મિનિસ્ટોરિયલ સ્ટાફ એસોસિએશન (MSA) દ્વારા પગાર પંચને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે MACP હેઠળ મળતો નાણાકીય લાભ માત્ર પે-મેટ્રિક્સના આગલા લેવલ સુધી સીમિત રાખવાને બદલે જે-તે કર્મચારીના વાસ્તવિક પ્રોમોશનલ હોદ્દાના પે-લેવલ મુજબ આપવો જોઈએ. આ ઉપરાંત, હાલમાં સેવા દરમિયાન મળતા 3 નાણાકીય અપગ્રેડેશનને વધારીને 5 સુધી કરવાની માંગ કરાઈ છે. એસોસિએશને એવી દરખાસ્ત મૂકી છે કે નોકરીના 8, 15, 22, 28 અને 32 વર્ષ પૂરા થવા પર કર્મચારીને આ લાભ મળવો જોઈએ. હાલના નિયમો અનુસાર વાસ્તવિક કેડર આધારિત પ્રમોશનના પગારધોરણને બદલે માત્ર પે-મેટ્રિક્સનું આગળનું લેવલ અપાતું હોવાથી કર્મચારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
બીજી તરફ, ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટેલ ઓર્ગેનાઇઝેશન્સ (FNPO) દ્વારા 6, 12, 18, 24 અને 30 વર્ષના સમયગાળામાં કુલ 5 વખત નાણાકીય પ્રમોશન આપવાની ભલામણ કરાઈ છે. આ સંસ્થાએ અન્ય એક અગત્યનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે જો કોઈ કર્મચારી અનિવાર્ય સંજોગોવશાત વાસ્તવિક પ્રમોશન સ્વીકારવાનો ઇનકાર કરે તો પણ તેના MACP નાણાકીય લાભો રોકવા કે અટકાવવા ન જોઈએ. ટૂંકમાં, MACP લાભોને નિયમિત પ્રમોશનથી અલગ રાખીને મુક્તપણે ચાલુ રાખવા જોઈએ.
એસોસિએશને આપેલા વ્યવહારુ ઉદાહરણ મુજબ, જો કોઈ કર્મચારી લેવલ-7 પર ફરજ બજાવતો હોય અને તેનો આગળનો પ્રમોશનલ હોદ્દો લેવલ-10નો હોય, તો પ્રવર્તમાન MACP નીતિ પ્રમાણે તેને માત્ર આગલું લેવલ-8 જ મળે છે. આ કારણે વાસ્તવિક પ્રમોશન અને મળવાપાત્ર નાણાકીય લાભ વચ્ચે મોટો તફાવત ઊભો થાય છે, જેનાથી કર્મચારીઓનું મનોબળ તૂટે છે. આ સ્થિતિમાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ જેવી મોટી જવાબદારી સંભાળતો સીનિયર કર્મચારી લેવલ-6માં રહી જાય છે, જ્યારે તેની નીચે કામ કરતો જુનિયર કર્મચારી પ્રમોશન વિના પણ MACPના કારણે લેવલ-7નો લાભ મેળવી લે છે.
રેલવે સીનિયર સિટિઝન્સ વેલફેર કમિટી તથા નેશનલ કાઉન્સિલ-JCM (સ્ટાફ સાઇડ) દ્વારા પણ MACPને હાયરાર્કી મુજબ આપવાની માંગને સમર્થન આપવામાં આવ્યું છે. 10 વર્ષના લાંબા અંતરાલને કારણે કર્મચારીઓના કેરિયરમાં આવતા સ્તબ્ધતાના તબક્કાને દૂર કરવા પર ભાર મુકાયો છે.
ઉલ્લેખનીય છે કે 8મા પગાર પંચની રચના બાદ પંચને 18 મહિનાની નિયત સમયમર્યાદામાં પોતાનો વિસ્તૃત અહેવાલ સરકારને સુપ્રત કરવાની સૂચના આપેલી છે. આ સંજોગોમાં MACP સ્કીમમાં જો સુધારો કરવામાં આવશે તો કર્મચારીઓને તેમની સમગ્ર સર્વિસ દરમિયાન નાણાકીય ધોરણે મોટો ફાયદો થશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
