<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પ્રેમાનંદ મહારાજના દર્શન બંધઃ પદયાત્રા સ્‍થગિત

સ્‍વાસ્‍થ્‍ય કારણોસર લેવાયો નિર્ણયઃ ‘રાધા-રાધા'નો નાદ અચાનક શાંત થતા ભકતોના હ્રદય ભરાયા

વ્રુંદાવન, તા.૧૮: ભક્‍તિની નગરી વ્રુંદાવનમાં હજારો શ્રદ્ધાળુઓ જે પળની આતુરતાથી રાહ જોતા હોય છે, તે સંત પ્રેમાનંદ મહારાજની દૈનિક પદયાત્રા પર અનિશ્ચિત સમય માટે વિરામ લાગી ગયો છે. દરરોજ મધ્‍યરાત્રિએ ઠંડી હોય કે ગરમી, મહારાજશ્રીના એક દર્શન માટે દેશ-વિદેશથી આવતા ભક્‍તો રસ્‍તાની બંને બાજુએ કલાકો સુધી ઉભા રહેતા હતા. કેલી કુંજ આશ્રમ દ્વારા માઇક્રોફોન પર જ્‍યારે આ જાહેરાત કરવામાં આવી કે હવેથી આગામી આદેશ સુધી પદયાત્રા અને ખાનગી વાર્તાલાપ બંધ રહેશે, ત્‍યારે ત્‍યાં હાજર હજારો ભક્‍તોમાં સોપો પડી ગયો હતો. રાધારાણીના પરમ ભક્‍ત એવા મહારાજશ્રીના આ નિર્ણયથી વૃદાવનની ગલીઓમાં એક પ્રકારની શૂન્‍યતા વ્‍યાપી ગઈ છે.

મહારાજશ્રીની આ પદયાત્રા માત્ર એક ચાલવાની પ્રક્રિયા નહોતી, પરંતુ આધ્‍યાત્‍મિક ઉર્જાનોસ્ત્રોત હતી. કેલી કુંજ આશ્રમથી સૌભારી કુંડ સુધીના માર્ગ પર ભક્‍તો જે શ્રદ્ધાથી પલક પાવડા બિછાવતા હતા, તે નજારો હવે જોવા નહીં મળે. આશ્રમ પ્રશાસને પદયાત્રા સ્‍થગિત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્‍પષ્ટ કર્યું નથી, જેને લીધે ભક્‍તોમાં ચિંતા અને અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ ધરાવતા પ્રેમાનંદ મહારાજના વીડિયો અને તેમના આશીર્વાદ લેવા માટે બોલિવૂડ સેલેબ્રિટીઝથી લઈને મોટા નેતાઓ લાઈનમાં ઉભા રહેતા હતા, ત્‍યારે આ અચાનક આવેલો નિર્ણય ધાર્મિક જગતમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

પદયાત્રા રદ થવાના સમાચાર વાયુવેગે ફેલાતા આશ્રમની બહાર ભક્‍તોની ભીડ જમા થઈ રહી છે. ઘણા શ્રદ્ધાળુઓ ભાવુક થઈને રડતા પણ જોવા મળ્‍યા હતા, કારણ કે તેમના માટે મહારાજશ્રીના દર્શન એ દિવસની સૌથી પવિત્ર શરૂઆત હતી. આશ્રમ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ભક્‍તો કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્‍યાન ન આપે અને ધીરજ જાળવી રાખે. ભક્‍તો અત્‍યારે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વહેલી તકે બધું સામાન્‍ય થાય અને ફરી એકવાર વૃદાવનના રસ્‍તાઓ પર પ્રેમાનંદ નામની ભક્‍તિની લહેર જોવા મળે. 

(3:33 PM IST)