News of Saturday, 4th July 2026
પ્રીતિ ઝિન્ટા પહોંચી બોમ્બે હાઈકોર્ટ: ડીપફેક અને AI વીડિયો બનાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ
સોશિયલ મીડિયા પર મોર્ફ કરેલા અશ્લીલ અને નકલી કન્ટેન્ટથી છબી ખરડાતા બોલીવુડ અભિનેત્રીએ કોર્ટનો ખખડાવ્યો દરવાજો : મેટા અને ગૂગલને કોર્ટની આકરી નોટિસ

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને આઈપીએલ (IPL) ટીમ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ પોતાના ડિજિટલ અધિકારો અને પ્રતિષ્ઠાની રક્ષા માટે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પ્રીતિએ કોર્ટમાં અરજી દાખલ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ કરનારા તત્વો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના અસંખ્ય નકલી, મોર્ફ કરેલા અને ભ્રામક ડીપફેક વીડિયો તેમજ ફોટા શેર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સાર્વજનિક જીવનમાં તેની વર્ષોની કમાયેલી પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
અભિનેત્રીની આ ગંભીર અરજી પર ત્વરિત સુનાવણી હાથ ધરીને બોમ્બે હાઈકોર્ટે ગૂગલ અને મેટા જેવી વૈશ્વિક ટેક કંપનીઓને આકરી નોટિસ ફટકારી છે. કોર્ટના આદેશ બાદ આ કંપનીઓના વકીલો અદાલતમાં હાજર થયા હતા અને તેમણે ખાતરી આપી હતી કે પ્રીતિ ઝિન્ટા દ્વારા સોંપવામાં આવેલી તમામ વિવાદિત લિંક્સ, નકલી વીડિયો અને ફોટાઓને પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવી દેવામાં આવશે. જોકે, સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટેક કંપનીઓની ઝાટકણી કાઢતા વેધક સવાલ કર્યો હતો કે, "જ્યારે સેલિબ્રિટીઝ ફરિયાદ કરે ત્યારે જ તમે કેમ જાગો છો? શું તમારી પાસે આવી વાંધાજનક અને નકલી પોસ્ટ્સ આપમેળે શોધી કાઢવા માટે કોઈ સ્વચાલિત આધુનિક સિસ્ટમ નથી?" આ સાથે જ કોર્ટે નકલી કન્ટેન્ટ હટાવવાની આડમાં કોઈની અસલી સામગ્રી ડિલીટ ન થઈ જાય તેની તકેદારી રાખવાની પણ ચેતવણી આપી છે.
ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝની ઓળખ ચોરી કરીને બનાવવામાં આવતા આવા ડીપફેક વીડિયોનો ભોગ બનનાર પ્રીતિ ઝિન્ટા એકમાત્ર અભિનેત્રી નથી. આ પહેલા પણ કાર્તિક આર્યન, શત્રુઘ્ન સિંહા, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ સહિતના અનેક દિગ્ગજો આવી જ સાયબર ગુનાખોરીનો શિકાર બની ચૂક્યા છે અને ન્યાય માટે કોર્ટના શરણે ગયા છે. પ્રીતિએ પોતાની ફરિયાદમાં ગૂગલ, મેટા અને બીજી અનેક અજ્ઞાત નકલી વેબસાઇટ્સ સામે મોરચો માંડ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ બાદ હવે ભારતમાં AI કાયદાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી નક્કી કરવા અંગેની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
