તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
કાળઝાળ ગરમી અને હીટવેવ વચ્ચે સગર્ભા મહિલાઓ રાખે ખાસ ધ્યાન: AIIMS ના નિષ્ણાત ડૉક્ટરે આપી હાઇડ્રેટેડ રહેવાની અને સુરક્ષિત રહેવાની મહત્વની સલાહ
સખત તાપમાં હીટ-સ્ટ્રોકથી બચવા લીંબુ પાણી અને ORS જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રવાહી સંજીવની સમાન; બપોરના સમયે બહાર જવાનું ટાળવા અને શરીરને પૂરેપૂરું ઢાંકીને જ નીકળવા તબીબોની તાકીદ

નવી દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આ કાળઝાળ ગરમી અને હીટવેવ (ગરમીના મોજા) ની પ્રવર્તમાન ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ ગર્ભવતી મહિલાઓ માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. અગ્રણી તબીબોના જણાવ્યા અનુસાર, સગર્ભા મહિલાઓએ ગરમી સંબંધિત ગંભીર બીમારીઓ અને લૂ લાગવાથી બચવા માટે સામાન્ય દિવસો કરતાં અત્યારે ઘણી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
શરીરમાં પાણીની અછત ન થવા દેવી એ જ મોટું રક્ષણ
આકાશવાણી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) નવી દિલ્હીના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિજ્ઞાન વિભાગ (Department of Obstetrics and Gynaecology) ના જાણીતા ડૉ. કે. અપર્ણા શર્માએ ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાના શરીરને સતત હાઇડ્રેટેડ રાખવું જોઈએ. ગરમીમાં માત્ર સાદું પાણી પીવાને બદલે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ORS), ફ્રેશ લીંબુ પાણી, નાળિયેર પાણી અને છાશ જેવા ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું જોઈએ, જે શરીરમાં ક્ષારોનું સંતુલન જાળવી રાખે છે.
બપોરના તડકામાં બહાર જવાનું ટાળો
ડૉ. શર્માએ સગર્ભા મહિલાઓને દિવસ દરમિયાન, ખાસ કરીને જ્યારે તડકો અને હીટવેવનું જોર સૌથી વધુ હોય તેવા બપોરના કલાકોમાં ઘરની બહાર નીકળવાનું સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપી છે. સૂર્યના સીધા કિરણો અને અતિશય તાપમાન ગર્ભસ્થ શિશુ અને માતા બંનેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
તબીબોએ વધુમાં ઉમેર્યું છે કે, જો કોઈ અનિવાર્ય કામસર અથવા મેડિકલ ઈમરજન્સીમાં બપોરે બહાર જવું જ પડે, તો મહિલાઓએ સુતરાઉ અને હળવા રંગના પૂરતા કપડાં પહેરીને પોતાને યોગ્ય રીતે ઢાંકી રાખવા જોઈએ. સાથે જ છત્રી, ચશ્મા અને પાણીની બોટલ હંમેશા સાથે રાખવી હિતાવહ છે. ગરમીના આ દિવસોમાં સહેજ પણ અસ્વસ્થતા, ચક્કર આવવા કે થાક લાગે તો તુરંત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
