<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

પ્રતીક યાદવનું આકસ્મિક નિધન: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો: રાજકીય જગતમાં શોકનું મોજું

મુલાયમ સિંહના નાના પુત્ર અને અપર્ણા યાદવના પતિના મોતનું રહસ્ય ખુલ્યું: લોહીનો ગંઠાઈ (ક્લોટ) નીચેથી ઉપર તરફ વહેતા ફેફસા અને હૃદય પર થઈ જીવલેણ અસર : લાંબી બીમારી બાદ કાર્ડિયાક અરેસ્ટ બન્યું કારણ

લખનૌ : સમાજવાદી પાર્ટીના સંરક્ષક સ્વ. મુલાયમ સિંહ યાદવના પુત્ર અને ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવના અચાનક અવસાનથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં શોક છવાઈ ગયો છે. બુધવારે સવારે જ્યારે તેમને લખનૌની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ના નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પ્રતીકના શરીરના નીચેના ભાગમાં લોહીનો એક ગંઠાઈ જામ્યો હતો, જે ઉપરની તરફ સરકીને ધમનીઓ અને ફેફસામાં પહોંચ્યો હતો. આ સ્થિતિને કારણે ગંભીર ઇન્ફેક્શન ફેલાયું અને અંતે હૃદય બંધ પડતા (Cardiac Arrest) તેમનું મૃત્યુ નીપજ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ, પ્રતીક યાદવ લાંબા સમયથી ફેફસાની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. અગાઉ પણ તેમના ફેફસામાં લોહી જામવાની સમસ્યા સામે આવી હતી જેની સારવાર ચાલી રહી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના શરીર પર કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ રીતે જાણવા માટે તબીબોએ વિસેરાસાચવી રાખ્યો છે, જેનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે. પ્રતીકની આ ફાની દુનિયામાંથી અચાનક વિદાય લેતા યાદવ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ દુખદ ઘટનાના સમાચાર મળતા જ અખિલેશ યાદવ સહિત રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. પત્ની અપર્ણા યાદવ પણ તાત્કાલિક લખનૌ પહોંચ્યા હતા જ્યાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો. પ્રતીક યાદવ ભલે સક્રિય રાજકારણમાં દેખાતા ન હતા, પરંતુ તેમના નિધનથી એક મોટા રાજકીય પરિવારનો મહત્વનો હિસ્સો ઓઝલ થઈ ગયો છે. હાલમાં પરિવાર અને સમર્થકોમાં ભારે આઘાતની લાગણી છે અને સોશિયલ મીડિયા પર પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

(7:45 PM IST)