તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રસાદ ચોરી કૌભાંડ: ટ્રસ્ટે આપ્યા પુરાવા : ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો સામે સંગીન આરોપો
મંદિરના વાર્ષિક ૧૮ કરોડના દાન કૌભાંડમાં શિવસેના UBT નેતાઓની સંડોવણીનો ટ્રસ્ટના અધ્યક્ષ સદા સર્વાંકરનો દાવો : ACB તપાસ અને ગેરકાયદે નેટવર્કના પર્દાફાશથી મુંબઈના રાજકારણમાં ગરમાવો

મુંબઈ : વિશ્વપ્રસિદ્ધ મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદ અને દાનમાં થયેલી અબજો રૂપિયાની કથિત હેરાફેરી અને ચોરીના મામલે મંદિર ટ્રસ્ટે પત્રકાર પરિષદ યોજીને મોટો પર્દાફાશ કર્યો છે. ટ્રસ્ટના અધ્યક્ષ સદા સર્વાંકરે સ્પષ્ટતા કરી છે કે આ ચોરીમાં વર્તમાન ટ્રસ્ટનો કોઈ હાથ નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) સાથે સંકળાયેલા કર્મચારીઓ અને નેતાઓ આ કૌભાંડમાં સામેલ હતા. ૨૧ માર્ચે સીસીટીવી ફૂટેજ દ્વારા સામે આવેલી આ ચોરી બાદ અત્યાર સુધીમાં ૪૫ કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે, જેમાંથી રાજન પેંડુલકર સહિતના મુખ્ય આરોપીઓ શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા વિશાખા રાઉત સાથે સીધા જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
સદા સર્વાંકરે જણાવ્યું હતું કે, આ કૌભાંડ માત્ર પ્રસાદની ચોરી પૂરતું મર્યાદિત નથી, પરંતુ વીઆઈપી દર્શનના નામે ભક્તો સાથે થતી છેતરપિંડી અને દાનમાં થતી મોટી ગેરરીતિઓ સાથે પણ જોડાયેલું છે. અગાઉ સાપ્તાહિક પ્રસાદ અને દાનની રકમ માત્ર ૪૦ થી ૫૦ લાખ રૂપિયા દર્શાવવામાં આવતી હતી, જે નવી ટીમે ચાર્જ સંભાળ્યા પછી અને વચેટિયાઓનું નેટવર્ક તોડી પાડ્યા બાદ વધીને રૂ. ૯૦ લાખથી વધુ થઈ ગઈ છે. ટ્રસ્ટના અંદાજ મુજબ, અગાઉના સમયગાળા દરમિયાન દર વર્ષે આશરે ૧૮ કરોડ રૂપિયાની વિસંગતતા અને દાનની હેરાફેરી કરવામાં આવતી હતી. ટ્રસ્ટે પોતે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી, જેના આધારે જ આ ધરપકડો શક્ય બની છે.
આ સિવાય, ટ્રસ્ટી રાહુલ લોંધેએ વધુ એક મોટો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ માં તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના શાસનકાળ દરમિયાન 'શિવ ભોજન યોજના' માટે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટમાંથી ૧૦ કરોડ રૂપિયા આપવાના તત્કાલીન અધ્યક્ષ આદેશ બાંદેકરના નિર્ણયની પણ સીઆઈડી (CID) તપાસ થવી જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મંદિરના આ નાણાં કયા કેન્દ્રોને આપવામાં આવ્યા અને તેનો ઉપયોગ કેવી રીતે થયો તેની સત્યતા બહાર આવવી જરૂરી છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમે મંદિર વહીવટમાં પારદર્શિતા લાવીને દાનમાં મોટો વધારો કર્યો છે, અને વિપક્ષી નેતાઓ મંદિરની છબી ખરાબ કરવા માટે આ સમગ્ર મામલાને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
