<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

પ્રભાદેવી સ્ટેશન પર એન્ટ્રી ગેટ પહોળો થયો છતાં હાલાકી યથાવત: સાંકડી સીડીઓ બની મુસાફરો માટે જીવનું જોખમ!

પશ્ચિમ રેલવેએ પ્રવેશદ્વાર ૫ મીટર પહોળો કર્યો પણ પ્લેટફોર્મને જોડતી સીડીઓ હજુય સાંકડી: ૨૦૧૭ની એલ્ફિન્સ્ટન રોડ નાસભાગ દુર્ઘટનાનું પુનરાવર્તન થવાની મુસાફરોમાં દહેશત

મુંબઈ : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ રેલવેના પ્રભાદેવી (અગાઉનું એલ્ફિન્સ્ટન રોડ) રેલવે સ્ટેશન પર મુસાફરોની દૈનિક અવરજવરને સુગમ બનાવવા પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેએ દક્ષિણ દિશાના ફૂટ ઓવરબ્રિજ (FOB) તરફ જતી સીડીઓનો પ્રવેશદ્વાર, જે અગાઉ ૨.૧ મીટર પહોળો હતો, તેને વધારીને ૫ મીટરનો કરી દીધો છે. આ માટે બાજુમાં આવેલા ત્રણ ટોયલેટ યુનિટ્સ પણ દૂર કરાયા છે. જોકે, આ ફેરફાર છતાં પીક અવર્સ દરમિયાન મુસાફરોની મૂળ સમસ્યા અને હાલાકીનો ઉકેલ આવ્યો નથી.

 

એન્ટ્રી ગેટ પહોળો પણ આગળ જવાનો માર્ગ સાંકડો!

 

મુસાફરોનું કહેવું છે કે એન્ટ્રી પોઈન્ટ પહોળો થવાથી બહારથી લોકો ઝડપથી અંદર તો આવી જાય છે, પરંતુ પ્લેટફોર્મ અને બ્રિજને જોડતી મુખ્ય સીડીઓ અતિશય સાંકડી છે. સવાર અને સાંજના વ્યસ્ત સમયે જ્યારે બંને પ્લેટફોર્મ પર એકસાથે ટ્રેનો આવે છે, ત્યારે ઉપર ચડતા અને નીચે ઊતરતા હજારો મુસાફરો આ સાંકડી સીડીઓ પર સામસામે ભટકાઈ જાય છે. સીડીઓની પહોળાઈ ન વધારાઈ હોવાથી હવે ભીડનો બોટો બોજ સીડીઓ પર એકઠો થાય છે, જેના કારણે ગૂંગળામણ અને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે.

 

૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ની એ ભયાનક નાસભાગની યાદો તાજી થઈ

 

ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ આ જ સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ પર સવારના સમયે ભારે વરસાદ અને ભીડના કારણે ભયાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં ૨૩ માસૂમ મુસાફરોના કરુણ મોત થયા હતા અને ૩૯થી વધુ લોકો ઘવાયા હતા. આ ઘટના બાદ ભારે જાહેર આક્રોશ ફાટી નીકળતાં ભારતીય સેનાની મદદથી નવો પહોળો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે નવા બ્રિજની સાંકડી સીડીઓ જોઈને મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રેલવે પ્રશાસન ફરી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?

 

બેરીકેડિંગ અને નવી સીડીઓ બનાવવાની માંગ

 

સ્થાનિક મુસાફરોના જણાવ્યા મુજબ, હાલ ભીડને નિયંત્રિત કરવા માટે RPF ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી થોડી રાહત મળે છે. પરંતુ કાયમી ઉકેલ માટે સાંકડી સીડીઓ પર બેરીકેડિંગ કરીને આવવા-જવા માટે અલગ રસ્તો બનાવવો જરૂરી છે. મુસાફરોની સ્પષ્ટ માગણી છે કે જ્યાં સુધી સીડીઓની પહોળાઈ પોતે વધારવામાં નહીં આવે અથવા નવી વધારાની સીડીઓનું નિર્માણ નહીં કરાય, ત્યાં સુધી પ્રભાદેવી સ્ટેશન પર મુસાફરોનો જીવ જોખમમાં જ રહેશે.

(6:08 PM IST)