News of Tuesday, 12th May 2026
આસામમાં પાવરફુલ મહિલા નેતા અજંતા નિઓગ સતત બીજી વાર કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
અસમના પ્રથમ મહિલા નાણામંત્રીની અપરાજિત સફર : વકીલાત છોડીને 2001થી રાજકારણમાં સક્રિય: કોંગ્રેસ અને ભાજપ પક્ષોમાં બંનેમાં સાબિત કરી લોકપ્રિયતા

આસામમાં હિમંતા બિસ્વા સરમાની શપથ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. હિમંતા બિસ્વા સરમાની નવી સરકારમાં સતત બીજી વાર મંત્રી તરીકે શપથ લેનારા અજંતા નિઓગ સૌથી ચર્ચિત નેતા છે. તેઓ આસામના પ્રથમ મહિલા નાણામંત્રી હોવાની સાથે રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ધારાસભ્ય પણ છે. 1964માં ગુવાહાટીમાં જન્મેલા અજંતા નિઓગ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત (MA, LLB, LLM) ધરાવે છે અને રાજકારણમાં આવતા પહેલા ગુવાહાટી હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અજંતા નિઓગનો રાજકારણમાં પ્રવેશ એક અત્યંત દુખદ ઘટના બાદ થયો હતો. 1996માં તેમના પતિ અને તત્કાલીન રાજ્યમંત્રી નાગેન નિઓગની આતંકવાદી હુમલામાં હત્યા કરવામાં આવી હતી, જેના પછી તેમણે રાજકીય દુનિયામાં કદમ રાખ્યો હતો. વર્ષ 2001માં ગોલાઘાટ બેઠક પરથી પ્રથમ વખત જીત મેળવ્યા બાદ તેમની રાજકીય સફર અપરાજિત રહી છે અને તેઓ આજ દિન સુધી ક્યારેય ચૂંટણી હાર્યા નથી. તેમણે વર્ષ 2001, 2006, 2011 અને 2016માં કોંગ્રેસની ટિકિટ પર, જ્યારે 2021 અને 2026માં ભાજપ તરફથી સતત છઠ્ઠી વાર વિજય મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. વર્ષ 2021ની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, તેમ છતાં મતદારોમાં તેમનો પ્રભાવ અને લોકપ્રિયતા અકબંધ રહ્યા હતા.
આસામની નવી સરકારમાં હિમંતા બિસ્વા સરમાની સાથે અન્ય ચાર ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપના સાથી પક્ષોને પણ કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જેમાં આસોમ ગણ પરિષદ ના પ્રમુખ અતુલ બોરા અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના ધારાસભ્ય ચરણ બોરોએ મંત્રી પદના શપથ લીધા છે. આ ઉપરાંત, રણજીત કુમાર દાસને આસામ વિધાનસભાના સ્પીકર પદ માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
