<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

તમિલનાડુમાં સત્તાની શતરંજ: AIADMK ના ધારાસભ્યોએ પલનીસ્વામી પર દબાણ વધાર્યું, BJP નો સાથ છોડી વિજયની 'TVK' ને ટેકો આપવા ઉઠી માંગ!

ચેન્નાઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: 'થલપથિ' વિજયની પાર્ટીને સમર્થન આપી સત્તામાં ભાગીદાર બનવા નેતાઓ આતુર, એડપ્પાદી પલનીસ્વામીના નિવાસ્થાને ગુપ્ત બેઠકોનો ધમધમાટ

ચેન્નાઈ: તા.૦૬ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર બનાવવાને લઈને ખેંચતાણ તેજ થઈ ગઈ છે. ૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ બહુમતીના ૧૧૮ ના આંકડાથી તે હજુ ૧૦ બેઠકો દૂર છે. આ સ્થિતિમાં AIADMK ના અનેક ધારાસભ્યોએ પક્ષના વડા એડપ્પાદી કે. પલનીસ્વામી (EPS) પર ભાજપ સાથેનું ગઠબંધન તોડીને વિજયની સરકારને ટેકો આપવા માટે દબાણ શરૂ કર્યું છે.
સી.વી. શણમુગમના નિવાસ્થાને ખેલાયો ખેલ
મળતી માહિતી મુજબ, AIADMK ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સી.વી. શણમુગમના નિવાસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં એસ.પી. વેલુમણી અને કે.સી. કરપ્પનન જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ નેતાઓનું માનવું છે કે જો AIADMK વિજયની પાર્ટીને સમર્થન આપે છે, તો ગઠબંધન સરકારમાં તેમને મહત્વના મંત્રી પદો મળી શકે છે અને રાજ્યના રાજકારણમાં પક્ષ ફરીથી મજબૂત બની શકે છે.
ગુપ્ત બેઠકો અને અટકળોનું બજાર ગરમ
રાજકીય ગલિયારામાં એવી પણ ચર્ચા છે કે TVK ના બે વરિષ્ઠ નેતાઓ ગ્રીનવેઝ રોડ સ્થિત પલનીસ્વામીના નિવાસ્થાને જઈને તેમને મળ્યા હતા. આ બેઠક બાદ જ AIADMK એ તેની ધારાસભ્યોની સત્તાવાર મીટિંગ રદ કરી દીધી હતી, જેનાથી અટકળોને વધુ વેગ મળ્યો છે. ધારાસભ્યોનો એક મોટો વર્ગ હવે ભાજપથી અંતર જાળવીને સ્થાનિક સ્તરે શક્તિશાળી બનેલા વિજય સાથે હાથ મિલાવવા ઈચ્છે છે.
વિજયની રણનીતિ: કોંગ્રેસ બાદ હવે AIADMK પર નજર?
બીજી તરફ, TVK ચીફ વિજયે પહેલાથી જ કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK જેવી પાર્ટીઓનો સંપર્ક સાધ્યો છે. તમિલનાડુ કોંગ્રેસે તો વિજયની સરકારને ટેકો આપવાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. જો AIADMK પણ આ ગઠબંધનમાં જોડાય છે, તો દક્ષિણના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાશે. હવે તમામની નજર એડપ્પાદી પલનીસ્વામીના અંતિમ નિર્ણય પર ટકેલી છે કે તેઓ પોતાના ધારાસભ્યોની ઈચ્છા મુજબ નિર્ણય લે છે કે પછી જૂના ગઠબંધન પર અડગ રહે છે.

(5:57 PM IST)