તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
દિલ્હીના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લાપતા દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાહુલ ગાંધીને "ગુમશુદા/લાપતા/MIA રાહુલ બાબા" અને "પર્યટનના નેતા" કહીને આકરા પ્રહારો કર્યા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની કથિત વિદેશ યાત્રાઓને લઈને ભારતીય જનતા પાર્ટી સતત તેમના પર પ્રહારો કરતી રહે છે. આ દરમિયાન રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને "ગુમશુદા" (લાપતા) દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાહુલ ગાંધીને "ગુમશુદા/લાપતા/MIA રાહુલ બાબા" અને "પર્યટનના નેતા" કહીને આકરા પ્રહારો કર્યા છે.
'X' પોસ્ટમાં પૂનાવાલાએ વીડિયો શેર કરીને વડાપ્રધાન મોદીના કામના રેકોર્ડની સરખામણી રાહુલ ગાંધીની કથિત વિદેશ યાત્રાઓ સાથે કરી હતી. શહઝાદ પૂનાવાલાએ જણાવ્યું કે, "વડાપ્રધાન મોદી હંમેશા દેશના કામમાં વ્યસ્ત રહે છે. તેમણે મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે એક પણ રજા લીધા વિના અંદાજે 9,000 દિવસ વિતાવ્યા છે. બીજી તરફ, રાહુલ ગાંધી હંમેશા રજાઓના મૂડમાં હોય છે. તેઓ દર વર્ષે વેકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. રાહુલ ગાંધી ખરા અર્થમાં 'પર્યટનના નેતા' છે."
બીજા એક વીડિયો સંદેશમાં પૂનાવાલાએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી અવારનવાર મહત્વના રાજકીય અને સંસદીય પ્રસંગોએ ગેરહાજર રહે છે. તેમણે ટોણો મારતા કહ્યું કે, "રાહુલ ગાંધીએ LoP (લીડર ઓફ અપોઝિશન)નું નામ બદલીને 'લીડર ઓફ પર્યટન એન્ડ પાર્ટીઇંગ' કરી દેવું જોઈએ, કારણ કે તેઓ હંમેશા આ જ કરતા હોય છે. જ્યારે પણ દેશ કે પક્ષને તેમની જરૂર હોય છે, ત્યારે તેઓ વિદેશ યાત્રા પર ઉપડી જાય છે. તેઓ જનતા, સંસદ કે પોતાની પાર્ટીને નહીં પરંતુ માત્ર પ્રવાસને પ્રાથમિકતા આપે છે."
શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓના ખર્ચ પર સવાલ ઉઠાવતા દાવો કર્યો કે, "રાહુલ ગાંધીએ પોતાના વેકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ આ વિદેશ પ્રવાસો અને ફરવા પાછળ આટલા પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ હિસાબ આપ્યો નથી. ફરી એકવાર રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા છે અને જ્યારે સંસદ તથા જનતાને તેમની જરૂર હશે, ત્યારે તેઓ હાજર નહીં હોય."
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
