News of Sunday, 30th August 2026
દેશની માટીનું ઋણ ચૂકવવા લોકપ્રિય IAS અધિકારી દિવ્યા મિત્તલે આપ્યું રાજીનામું: સોશિયલ મીડિયા પર શેર કરી ભાવનાત્મક સફર
યુપી કેડરના ૨૦૧૩ બેચના તેજસ્વી IAS અધિકારી દિવ્યા મિત્તલે ૧૩ વર્ષની સફળ કારકીર્દી બાદ વહીવટી સેવામાંથી સ્વેચ્છાએ રાજીનામું આપીને દેશભરમાં ચર્ચા જગાવી છે.

લખનૌ :દેશભરમાં પોતાની ઉત્કૃષ્ટ લોકકલ્યાણકારી કામગીરી અને પ્રશાસનિક કુશળતા માટે જાણીતા યુપી કેડરના ૨૦૧૩ બેચના તેજસ્વી IAS અધિકારી દિવ્યા મિત્તલે રવિવારે વહીવટી સેવામાંથી અચાનક સ્વેચ્છાએ રાજીનામું ધરી દેતા સમગ્ર રાજકીય અને પ્રશાસનિક બેડામાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે, જ્યાં તેઓ અગાઉ મહેસૂલ વિભાગમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. મિર્ઝાપુર અને દેવરિયા જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) તરીકે ફરજ બજાવતી વખતે જનસામાન્યના હિતમાં ક્રાંતિકારી નિર્ણયો લેનાર દિવ્યા મિત્તલે પદ છોડ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક અત્યંત હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયી લાંબી પોસ્ટ શેર કરીને પોતાની ૧૩ વર્ષની આ અવિસ્મરણીય સફરને દેશવાસીઓ સમક્ષ ખુલ્લી મૂકી છે.
આ નિર્ણય પાછળના પોતાના અંગત વિચારો અને ભૂતકાળની યાદો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય પરિસ્થિતિમાં ઉછર્યા બાદ IIT દિલ્હી અને IIM બેંગ્લોર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવીને તેમને લંડનમાં આકર્ષક નોકરી મળી હતી, પરંતુ વિદેશમાં બધું જ હોવા છતાં તેમના હૃદયમાં માતૃભૂમિ માટે કંઈક અધૂરું હોવાની સતત ખોટ સાલતી હતી. પોતાના જ દેશની માટીનું શિક્ષણ, આત્મવિશ્વાસ અને દુનિયામાં ગમે ત્યાં ગર્વથી માથું ઊંચું રાખીને ચાલવાની તાકાત મળ્યા બાદ તે ઋણ ચૂકવવાની ભાવના સાથે તેઓ ભારત પરત ફર્યા હતા અને IAS અધિકારી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. દેવરિયામાં સાચા માટે લડવાની ફરજ અને મિર્ઝાપુરે શીખવેલા પાઠને યાદ કરતાં તેમણે કહ્યું કે માતા વિંધ્યવાસિનીના ચરણોમાં રહીને તેમને સમજાયું કે વાસ્તવિક શક્તિ કોઈ હોદ્દા કે પદથી નહીં, પરંતુ લોકોના વિશ્વાસ અને સેવાભાવથી આવે છે.
પોતાની આ ભાવનાત્મક પોસ્ટમાં દિવ્યા મિત્તલે આગળ ઉમેર્યું હતું કે શરૂઆતમાં તેઓ કદાચ સમાજને કંઈક આપવાના ભ્રમ સાથે આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે જમીન પર કામ કરતી વખતે તેમને બદલામાં અપેક્ષા કરતા અનેકગણો વધુ સ્નેહ, સન્માન અને આદર મળ્યો છે, જેણે તેમની ઝોળી ભરી દીધી છે. જમીનના અધિકાર મેળવનાર પ્રથમ પેઢીના પરિવાર, ગૌરવ સાથે જીવવાની તક પામેલા દિવ્યાંગજન અને પોતાના સૂકા ખેતરોમાં પાણી આવવાથી ખુશ થયેલા ખેડૂતની આંખોમાં રહેલા હર્ષના આંસુઓ જ તેમના માટે જીવનની સાચી શાંતિ અને સૌથી મોટી કમાણી સાબિત થયા છે. તેમણે આ સફર દરમિયાન પોતાના સાથી અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રશાસનની ટીમે મુશ્કેલ સમયમાં હંમેશાં ખભેથી ખભો મિલાવીને સાથ આપવા બદલ વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વહીવટી સેવામાંથી અચાનક રાજીનામું આપવાના આ પગલાં બાદ હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે કે શું દિવ્યા મિત્તલ આગામી સમયમાં કોઈ મોટી સામાજિક જવાબદારી સંભાળશે કે જનસેવા માટે સક્રિય રાજકારણમાં ઝંપલાવશે. અગાઉના તેમના મિર્ઝાપુર અને દેવરિયાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર સામે લીધેલા કડક પગલાં અને લોકઉપયોગી પ્રોજેક્ટ્સની સફળતાએ તેમને યુવાનોના પ્રેર્રોત બનાવી દીધા હતા, ત્યારે સરકાર દ્વારા તેમનું આ રાજીનામું સ્વીકારવાની પ્રક્રિયા નિયમાનુસાર હાથ ધરવામાં આવી રહી છે. પ્રશાસનમાંથી મુક્ત થયા બાદ પણ તેઓ જનહિતના કાર્યો સાથે સક્રિયપણે જોડાયેલા રહેશે તેવા સંકેતો તેમણે પોતાની આ વિદાય પોસ્ટ દ્વારા આપ્યા છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
