News of Thursday, 12th November 2026
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અત્યંત ભયાનક સ્તરે : ૫ વિસ્તારોમાં AQI 500ને પાર : શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
નોઈડા, ગાજિયાબાદ અને ગુરુગ્રામની હવા પણ ઝેરી બની; સ્મોગની ઘાટી ચાદર વચ્ચે પ્રશાસન એલર્ટ મોડ પર

નવી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણે ફરી એકવાર અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. હવાની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે દિલ્હીના પાંચ પ્રમુખ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 500ના ખતરનાક આંકડાને પણ વટાવી ગયો છે. આ સાથે દિલ્હી-એનસીઆરના પડોશી શહેરોમાં પણ લોકો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર બન્યા છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને વિવિધ મોનિટરિંગ એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, રાજધાનીના મોડેલ ટાઉનમાં AQI 523, રોહિણીમાં 505 અને સોનિયા વિહારમાં 525 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, આનંદ પર્વત (AQI 510) અને આનંદ વિહાર (AQI 521) માં પણ હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં નોંધાઈ છે. જોકે, ધૌલા કુઆં જેવા કેટલાક સ્થળોએ AQI 128 નોંધાતા તેને 'મધ્યમ' શ્રેણીમાં સ્થાન મળ્યું છે, પરંતુ સમગ્ર વિસ્તાર પર સ્મોગની જાડી ચાદર છવાયેલી છે.
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ પડોશી શહેરોમાં પણ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં વાયુ પ્રદૂષણનો આંકડો ઉછળીને 533 પર પહોંચ્યો છે, જ્યારે ગ્રેટર નોઈડામાં તે 517 નોંધાયો છે. ગાજિયાબાદના ઈન્દિરાપુરમમાં પણ AQI 512 છે અને ફરીદાબાદના આઈપી એક્સટેન્શનમાં આંકડો 519 સુધી પહોંચી ગયો છે.
આટલા ઊંચા પ્રદૂષણ સ્તરને કારણે બાળકો, વયોવૃદ્ધો અને શ્વાસ કે હૃદયરોગના દર્દીઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. હવાની આ ખરાબ સ્થિતિને કારણે લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો વધી રહી છે. પ્રદૂષણની આ કટોકટી વચ્ચે સંબંધિત વિભાગો દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
