<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ગુજરાતમાં પાણી મુદ્દે સિયાસત ગરમાઈ: ખડગેના ભાજપ સરકાર પર આકરા પ્રહાર, 'સુજલામ-સુફલામ'ના દાવાઓ સામે ચોંકાવનારા સવાલો

CAG રિપોર્ટનો હવાલો આપી કોંગ્રેસ પ્રમુખનો દાવો: રાજ્યમાં 89% પાણીના નમૂના પીવા માટે અયોગ્ય : જળ જીવન મિશનમાં ગંભીર ખામીઓ અને લાખો પરિવારો હજુ પણ નળના પાણીથી વંચિત હોવાનો આરોપ

અમદાવાદ :  ગુજરાતમાં ભાજપના શાસન અને જળ વ્યવસ્થાપન સામે વિપક્ષે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે ભાજપના 27 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન માત્ર ખોટા દાવા અને પ્રચાર જ કરવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાનના 'દરેક ઘર માટે પાણી'ના દાવાઓ વાસ્તવિકતામાં દૂષિત પાણીની સમસ્યા સામે ધોવાઈ ગયા છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો આજે પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વિધાનસભામાં રજૂ કરાયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના રિપોર્ટને ટાંકીને ખડગેએ જણાવ્યું કે જળ જીવન મિશનના અમલીકરણમાં ગંભીર ખામીઓ, નાણાકીય અનિયમિતતાઓ અને પ્રોજેક્ટમાં વિલંબ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ગામડાઓમાંથી લેવાયેલા આશરે 89% થી 90% પાણીના નમૂના પીવા માટે અયોગ્ય માલૂમ પડ્યા છે. ખડગેએ ભૂતકાળની 'સુજલામ-સુફલામ' યોજનાની ટીકા કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ન તો સ્વચ્છ પાણી રહ્યું છે કે ન તો સમૃદ્ધિ. 2022 સુધીમાં 100% નળના જોડાણ આપવાના દાવા છતાં હજુ પણ આશરે 1.4 મિલિયન પરિવારો પાણીના જોડાણની રાહ જોઈ રહ્યા છે.

આ ઉપરાંત, તેમણે સ્થાનિક સ્તરે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન દોરતા ગંભીર આરોપ મૂક્યો હતો કે ધોળકામાં દૂષિત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી છે. સૌરાષ્ટ્ર અને કચછના વિસ્તારો જેવા કે રાજકોટ અને જામનગરમાં પીવાના પાણીની તંગી છે અને ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખડગેએ ઉમેર્યું કે જનતાને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્ના બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી થઈ રહી નથી.

(6:51 PM IST)