<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

UPI ચાર્જ મુદ્દે દેશમાં રાજકારણ ગરમાયું: અમેરિકાના દબાણમાં સરકારે સરેન્ડર કર્યું હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ, ભાજપે દાવો ફગાવી ફેક ન્યૂઝ ગણાવ્યા

₹૨,૦૦૦થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તો છેવટે બોજ ગ્રાહકોના ખિસ્સા પર જ પડશે: કોંગ્રેસ; યુપીઆઈ વાપરનારા આમ આદમી માટે તમામ ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી છે અને રહેશે: ભાજપનો પલટવાર

નવી દિલ્હી, તા.૧૫: દેશમાં ડિજિટલ ચુકવણીની સૌથી મોટી ઓળખ અને કરોડરજ્જુ બની ચૂકેલી UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) સિસ્ટમ પર ચાર્જ લગાવવા મુદ્દે હવે દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, સરકારે અંદરખાને અને ચુપચાપ UPI પેમેન્ટ્સ પર ચાર્જ વસૂલવાનો રસ્તો ખોલી નાખ્યો છે. રાહુલ ગાંધીનો દાવો છે કે ₹૨,૦૦૦થી વધુના કોમર્શિયલ પેમેન્ટ્સ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ લગાવવાની તૈયારી થઈ રહી છે, જેનો આખરી આર્થિક બોજ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર જ પડવાનો છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, "અમેરિકી પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની ઝીરો-MDR (Zero-MDR) નીતિનો વિરોધ કરી રહી હતી. હવે મોદી સરકાર ફરી એકવાર અમેરિકાના દબાણ સામે સરેન્ડર થઈ ગઈ હોય તેમ લાગે છે. ₹૨,૦૦૦થી ઉપરના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ભલે માત્ર ૫% હોય, પરંતુ કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુના ૬૫% હિસ્સો આમાંથી જ આવે છે. સરકાર ભલે કહે કે ગ્રાહક પાસેથી ચાર્જ નહીં લેવાય, પરંતુ દુકાનદાર પર લાગનારી આ ફી છેવટે ચીજવસ્તુઓની કિંમતમાં ઉમેરાઈને ગ્રાહક પાસેથી જ વસૂલાશે." 

બીજી તરફ, કોંગ્રેસના આ દાવાઓ સામે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ કોંગ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટને તદ્દન ખોટી અને ભ્રામક (ફેક) ગણાવી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ₹૨,૦૦૦ થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ૦.૫% ટેક્સ લાગશે એવો કોઈ જ સરકારી આદેશ કે કન્ઝ્યુમર ચાર્જ જારી કરાયો નથી. 

ભાજપ નેતાએ વધુમાં ઉમેર્યું કે ૧૪ સપ્ટેમ્બરની આંકડાકીય અધિસૂચનાએ માત્ર ₹૨,૦૦૦ સુધીના UPI અને RuPay ટ્રાન્ઝેક્શન પર ઝીરો-ચાર્જ પ્રોટેક્શનને સ્પષ્ટ કર્યું છે. વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા Person-to-Person (P2P) તમામ UPI ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે ફ્રી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવે તો પણ તે માત્ર સીમિત મર્ચન્ટ વ્યવહારો પર લાગી શકે છે, સામાન્ય ગ્રાહકો પર તેનાથી કોઈ અસર થશે નહીં.

(4:29 PM IST)