<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ઉત્તર પ્રદેશના ગોંડામાં વેપારીની ઘાતક હત્યા બાદ રાજકારણ ગરમાયું: પોતાની જ સરકાર સામે ધરણા પર બેઠેલા મંત્રી સંજય નિષાદને મનાવવા કલેક્ટર પોતે જમીન પર બેઠા!

વાસણોના વેપારી વિનોદ સાહની પર હુમલા કેસમાં કડક કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ આંદોલન સમેટાયું; સ્ટેશન ઇન્ચાર્જ સહિત ૩ પોલીસ અધિકારીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ.

ગોંડા, તા.૧૧: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વાસણોના જાણીતા વેપારી વિનોદ સાહનીની નૃશંસ હત્યાના કેસમાં રાજકીય માહોલ અત્યંત ગરમાઈ ગયો છે. શુક્રવારે લખનૌથી સીધા ગોંડા પહોંચેલા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સંજય નિષાદ પોતાની જ સરકાર અને સ્થાનિક તંત્ર સામે કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગયા હતા. વાતાવરણ તંગ બનતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) પ્રિયંકા નિરંજન મંત્રીને શાંત પાડવા માટે પ્રોટોકોલ છોડીને કલેક્ટર કચેરી બહાર તેમની સાથે જ જમીન પર બેસી ગયા હતા. ડીએમ દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પીડિત પરિવાહને તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવ્યા બાદ મંત્રીએ પોતાનું વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું હતું.

 

ઘટનાની વિગતો અનુસાર, પરસાપુર વિસ્તારના રેક્સડિયા ગામના રહેવાસી ૪૫ વર્ષીય વિનોદ સાહની શાહપુર બજારમાં વાસણોની દુકાન ધરાવતા હતા. સોશિયલ મીડિયા પર થયેલી એક સામાન્ય પોસ્ટના વિવાદમાં બુધવારે સાંજે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહેલા વિનોદ સાહનીને ૪ મોટરસાઇકલ પર આવેલા ૧૦ જેટલા સશસ્ત્ર હુમલાખોરોએ આંતરીને ધારદાર હથિયારો વડે મરણતોલ માર માર્યો હતો. ગંભીર હાલતમાં તેમને લખનૌ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

 

આ ચકચારી હત્યા કેસમાં પોલીસની કથિત બેદરકારી સામે આવતા જ તંત્રએ આકરાં પગલાં ભર્યાં છે. ગોંડાના પોલીસ અધિક્ષક (SP) અભિષેકે ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ પરસાપુરના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) કમલા શંકર ચતુર્વેદી, ચોકી ઇન્ચાર્જ અંકિત સિંહ અને કોન્સ્ટેબલ અભિમન્યુ ભારતીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. પોલીસે આ કેસમાં શુભમ સિંહ, સુભાષ સિંહ અને આકાશ સિંહ સહિત ૧૦ નામાંકિત આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(5:17 PM IST)