<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રાજકારણ છે કે ફિલ્મનો સેટ? તમિલનાડુમાં વિજયની ‘ટીવીકે’નો ફિયાસ્કો: બહુમતી વગર સરકાર બનાવવાનો દાવો અને વોટ્સએપ પર ટેકો માંગતા પત્રોએ હાસ્ય જગાડ્યું!

રાજભવનમાં ફૂલોનો ગુલદસ્તો લઈ જવાનું પણ ભૂલી ગયા ‘થલાપતિ’ વિજય; અનુભવના અભાવે ગઠબંધન સરકારના દાવામાં ટેકનિકલ છબરડા અને નકલી સહીના આક્ષેપોથી ભારે ફજેતી

ચેન્નાઈ : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામો બાદ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) માટે આ ગરમાવો મુશ્કેલી અને મજાકનું કારણ બની રહ્યો છે. રાજકીય મેદાનમાં ઉતરેલા વિજયની ટીમે સરકાર બનાવવાના દાવાથી લઈને શિષ્ટાચાર સુધીની બાબતોમાં એવા છબરડા કર્યા છે કે વિરોધીઓ તો ઠીક, તટસ્થ રાજકારણીઓ પણ માથું કૂટી રહ્યા છે.
જાદુઈ આંકડો ૧૧૮ અને વિજય પાસે માત્ર ૧૧૨!
ચૂંટણી પરિણામોના બે દિવસ બાદ વિજયે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, પરંતુ અહીં જ કાચું કપાયું. ૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જ્યારે વિજયની ટીમ પાસે માત્ર ૧૧૨નો આંકડો હતો. છતાં, અનુભવી વકીલો કે બંધારણીય નિષ્ણાતોની સલાહ લીધા વગર જ વિજય રાજભવન પહોંચી ગયા. રાજ્યપાલ આર.વી. આર્લેકરે તેમને સ્પષ્ટ શબ્દોમાં ૧૧૮ના આંકડા સાથે પાછા આવવા કહી રવાના કર્યા હતા.
વોટ્સએપ પર સરકાર બનાવવાનું આમંત્રણ?
ટીવીકેની સૌથી મોટી ‘ગંભીર મજાક’ ત્યારે સામે આવી જ્યારે સીપીઆઈ અને સીપીઆઈ (એમ) જેવા પક્ષોના નેતાઓને વોટ્સએપ પર સમર્થન માંગતા પત્રો મળ્યા. રાજકારણમાં સરકાર બનાવવા જેવું ગંભીર કાર્ય ફોન પર પીડીએફ (PDF) ફાઈલો મોકલીને થતું જોઈને વરિષ્ઠ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે, "જો તેમને અનુભવ નહોતો, તો કોઈ સિનિયરને પૂછી લેવું હતું, વોટ્સએપ પર કંઈ ગઠબંધન ન થાય!"
શિષ્ટાચારનો અભાવ અને નકલી સહીનો વિવાદ
રાજકીય શિષ્ટાચારના મામલે પણ વિજયની ટીમે નિરાશ કર્યા. જ્યારે તેઓ પહેલીવાર રાજ્યપાલને મળવા ગયા, ત્યારે સાદો ગુલદસ્તો કે શાલ લઈ જવાનું પણ ભૂલી ગયા હતા. આ ‘ટેકનિકલ ભૂલ’ બીજી મુલાકાત વખતે સુધારવામાં આવી હતી. વધુમાં, એએમએમકેના નેતા ટીટીવી દિનાકરણે આરોપ લગાવ્યો છે કે વિજયની પાર્ટીએ તેમના ધારાસભ્યની નકલી સહી કરીને સમર્થન પત્ર રજૂ કર્યું છે. ટીવીકેએ આના જવાબમાં માત્ર એક વીડિયો વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, પણ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નહીં.
કોણ આપી રહ્યું છે વિજયને સલાહ?
૫૨ વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા કે.એ. સેંગોટાઈયન જેવા નેતા હોવા છતાં, ટીવીકેની આ શિખાઉ હરકતો ચર્ચાનો વિષય બની છે. નિષ્ણાતોના મતે, વિજય પાસે અનુભવી રાજકારણીઓની ભારે અછત છે, જેના કારણે ડગલે ને પગલે તેમની ફજેતી થઈ રહી છે. ત્રણ દિવસમાં ત્રણ વાર રાજભવનના આંટા મારવા છતાં, હજુ સુધી ‘થલાપતિ’ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.
હાલમાં તો તમિલનાડુનું રાજકારણ કોઈ સસ્પેન્સ ફિલ્મ જેવું બની ગયું છે, જ્યાં હીરો મેદાનમાં તો છે પણ સ્ક્રિપ્ટ વગરનો હોય તેવું લાગી રહ્યું છે!

(11:11 PM IST)