તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 17th October 2026
દેશની રાજનીતિ ગરમાઈ: 'કોંગ્રેસ નહીં, દેશની જનતા ઈચ્છે છે સત્તા પરિવર્તન', રાજનાથ સિંહના નિવેદન પર કપિલ સિબ્બલનો પલટવાર
'જે સરકાર ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવી સત્તામાં આવી હતી, તેણે જ ભ્રષ્ટાચારને અપનાવ્યો છે: રાજ્યસભા સાંસદનો કેન્દ્ર પર પ્રહાર'

નવી દિલ્હી:દેશના રાજકીય આકાશમાં હાલમાં 'રિજીમ ચેન્જ' (સત્તા પરિવર્તન) શબ્દને લઈને ભારે ઘમાસાણ મચી ગયું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા એક નિવેદન બાદ હવે રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આક્રમક અંદાજમાં વળતો પ્રહાર કર્યો છે. સિબ્બલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'સત્તા પરિવર્તન કોઈ કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી, પરંતુ દેશની સામાન્ય જનતા ઈચ્છી રહી છે અને હવે વર્તમાન સરકારની વિદાયનો સમય આવી ગયો છે.'
સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો
કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક તીખી પોસ્ટ શેર કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે, 'તમે એવો આરોપ લગાવો છો કે કોંગ્રેસ બાંગ્લાદેશની તर्ज पर 'રિજીમ ચેન્જ' ઈચ્છે છે, પરંતુ હકીકત એ છે કે દેશની જનતા પોતે સત્તા પરિવર્તન ઈચ્છી રહી છે.' સિબ્બલે વધુમાં યાદ અપાવ્યું કે ભૂતકાળમાં 'ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન' (ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન) ના નારાએ જ વર્તમાન શાસકોને સત્તા સુધી પહોંચાડ્યા હતા.
સરકાર પર ગંભીર આક્ષેપો
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા સિબ્બલે આરોપ લગાવ્યો કે જે સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈના દાવા સાથે સત્તા મેળવી હતી, આજે તે જ સરકારે ભ્રષ્ટાચારને પોતાના વ્યવહારમાં અપનાવી લીધો છે. તેમણે દેશની લોકતાંત્રિક સંસ્થાઓ પર કબ્જો જમાવવાનો અને મતદાર યાદીઓમાં ગરબડ કે હેરફેર કરવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. સિબ્બલે કડક શબ્દોમાં કહ્યું કે, 'હવે આ સરકારના જવાના દિવસો આવી ગયા છે.'
શું હતો વિવાદ?
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. રક્ષામંત્રીએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ અને કોંગ્રેસ બાંગ્લાદેશની તર્જ પર ભારતમાં સરકાર બદલવા (રિજીમ ચેન્જ) માંગે છે અને અશાંતિ ફેલાવવા માટે દેશના યુવાનોનો ઉપયોગ કરી રહ્યા છે. રક્ષામંત્રીના આ નિવેદન બાદ રાજકીય ગલિયારાઓમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે, જેમાં કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ ભાજપ સરકાર સામે મોરચો ખોલી દીધો છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
