<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

આસામમાં રાજકીય ઘમાસાણ: આશુતોષ રંકાની અટકાયત પર અભિજીત દીપકે CM હિમંતાને ખુલ્લો પડકાર ફેંક્યો

કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે નેતાની મુક્તિ ન મળે તો તમામ સમર્થકો સાથે આસામ કૂચ કરવાની આપી ચીમકી

ગુવાહાટી : આસામના ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા આશુતોષ રંકા અને તેમની ટીમને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને ભારે ઉહાપોહ મચી ગયો છે.

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા CJP ના સ્થાપક અભિજીત દીપકે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પર આકરા પ્રહારો કરતા તમામ સભ્યોની ધરપકડ કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આશુતોષ રંકાને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો CJP ના તમામ સભ્યો આસામ પહોંચશે અને મુખ્યમંત્રી તેમને પણ જેલમાં પૂરી શકે છે. અગાઉ ગુવાહાટી પહોંચેલા રંકા કેટલાક સ્વયંસેવકોને મળવાના હતા, પરંતુ તે પહેલા જ પોલીસ તેમને અજાણ્યા સ્થળે ખસેડી ગઈ હતી.

પોલીસ કસ્ટડીમાં જતી વખતે રંકાએ એક વીડિયો સંદેશ દ્વારા આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા તેમની સરકારની વાસ્તવિકતા છુપાવવા માગે છે. તેમણે દાવો કર્યો હતો કે જો તેઓ આસામની શાળાઓની અસલી હાલત અને કાઝીરંગામાં જમીન, જંગલ તથા પાણી કોર્પોરેશનોને સોંપીને નાગરિકોના અધિકારો છીનવાઈ રહ્યા છે તે સત્ય દેશ સમક્ષ લાવશે, તો સરકારની પોલ ખુલી જશે. રંકાએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે વિધાનસભા મતવિસ્તારોની સીમાઓમાં ગેરરીતિ આચરીને અને SIR ના નામે નાગરિકોને મતદાર યાદીમાંથી બહાર કરીને ચૂંટણી જીતવામાં આવી છે.

આ સમગ્ર વિવાદ બાદ રાજ્યમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અગાઉ પણ આસામમાં રાજકીય આંદોલનો અને સંગઠનોની બેઠકોને લઈને પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવતા રહ્યા છે, ત્યારે હવે આ મામલે CJP ના આગામી પગલાં શું હશે અને વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાશે તેના પર સૌની નજર ટકેલી છે.

(3:51 PM IST)