<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

તમિલનાડુમાં રાજકીય સંગ્રામ: ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિનનો વિજય સરકાર પર તીખો પ્રહાર: ૩૧ ઓક્ટોબરે રાજ્યવ્યાપી વિરોધનું એલાન

વિજયની સરકારને 'દિશાહીન' ગણાવી ડીએમકે મહિલા પાંખે મોરચો સંભાળ્યો : કાયદો-વ્યવસ્થા, ડ્રગ્સ અને ભાવવધારા મુદ્દે શાસક પક્ષને ઘેરવાની વિરાટ વ્યૂહરચના

ચેન્નાઈ :  તમિલનાડુના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, જ્યાં વિપક્ષી ડીએમકેના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શાસક ટીવીકે  સરકાર સામે લડાયક મોરચો ખોલ્યો છે. ૩૧ ઓક્ટોબરે સમગ્ર રાજ્યના તમામ જિલ્લા મુખ્યાલયો પર ડીએમકેની મહિલા પાંખ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાલિને સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારને 'દિશાહીન' અને સ્વતંત્ર વિચારસરણી વગરની ગણાવીને ઊંઘતી સરકારને જગાડવાનો શંખનાદ કર્યો છે.

મુખ્યમંત્રી વિજય પર સીધા પ્રહારો કરતા સ્ટાલિને જણાવ્યું કે, જનતાએ તેમની ફિલ્મી વીરતા વાસ્તવિક જીવનમાં જોવા મળશે તેવી આશાએ મત આપ્યા હતા, પરંતુ તેઓ તદ્દન નિરાશ થયા છે. વિજય હજુ પણ શૂટિંગ કારવાંમાં હોય તેવું વર્તન કરે છે અને મુખ્યમંત્રી પદને માત્ર ૯ થી ૫ ની ડેસ્ક જોબ સમજે છે. રાજ્યમાં ચેન્નાઈના પોશ વિસ્તારોમાં દિવસે-દિવસે હત્યાઓ, માસૂમો સામે જાતીય હિંસા અને થેની જેલમાંથી ૧૭ કેદીઓના ભાગી જવાની ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા છતી કરે છે. DRI દ્વારા ટીવીકે અધિકારીની ડ્રગ્સ કેસમાં ધરપકડનો ઉલ્લેખ કરી તેમણે ચૂંટણીમાં ગેરકાયદે ડ્રગ મનીના ઉપયોગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત ચોખા-ડુંગળી જેવી આવશ્યક વસ્તુઓના ભાવવધારા અને ₹૩૭ પ્રતિ યુનિટ જેવા મોંઘા દરે વીજળી ખરીદવાના મુદ્દે સરકારના ગેરવહીવટની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી. મદુરાઈમાં પાસમ્પોન મુથુરામલિંગા થેવરના સ્મારકે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્ટાલિને સ્પષ્ટ કર્યું કે, ડીએમકે ભૂતકાળમાં MISA, TADA અને POTA જેવા કઠોર કાયદાઓનો સામનો કરી ચૂકી છે, તેથી ચેન્નાઈ એરપોર્ટ પર પૂર્વ મંત્રીની ધરપકડ જેવા રાજકીય બદલાના કારસાથી પાર્ટી ડરશે નહીં અને કોર્ટમાં કાનૂની લડાઈ લડશે.

(10:42 PM IST)