<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ચોમાસુ સત્રના બીજા દિવસે ફરી રાજકીય તોફાનનાં એંધાણ: સીજેપી ઉપર પોલીસ કાર્યવાહીને લઈ સરકાર ઘેરાશે: પ્રથમ દિવસે બન્ને ગૃહો વારંવાર મોકૂફ; નીટ ગેરરીતિ, લાઠીચાર્જ, ટીયર ગેસ અને ધરપકડોના મુદ્દે ચર્ચાની વિપક્ષની માગ

નવી દિલ્હી, તા. ૨૧: સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. સોમવારે પ્રથમ દિવસે નીટ પરીક્ષાના કથિત પેપર લીક, પરીક્ષા વ્યવસ્થાની ગેરરીતિઓ અને અયોધ્યા રામમંદિર ટ્રસ્ટના દાન અંગેના આરોપોને લઈને ભારે હોબાળો થતાં લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી વારંવાર મોકૂફ રાખવી પડી હતી. અંતે બન્ને ગૃહોને આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યાં હતાં.

આજે વિપક્ષ કોકરોચ જનતા પાર્ટીના સંસદ કૂચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને મુખ્ય મુદ્દો બનાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ, ટીયર ગેસના ઉપયોગ અને ધરપકડોની ટીકા કરી છે તથા સંસદમાં તાત્કાલિક ચર્ચાની માગ ઊભી કરી છે. વિપક્ષ નીટ ગેરરીતિઓ અને પરીક્ષાઓમાં જવાબદારી નક્કી કરવાનો મુદ્દો પણ ઉઠાવશે.

બીજી તરફ દિલ્હી પોલીસે જણાવ્યું છે કે સોમવારના સંસદ કૂચ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કર્યો, પથ્થરમારો કર્યો અને પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી. અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સીજેપીએ આ દાવાઓને નકારી પોલીસ ઉપર અતિશય બળપ્રયોગનો આરોપ મૂક્યો છે.

બન્ને ગૃહોની કાર્યવાહી પ્રશ્નકાળથી શરૂ થવાની છે. લોકસભામાં અગાઉના સત્રમાં પસાર થઈ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવનાર નવ વિધેયકોની વિગતો ગૃહના પટલ પર મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત સુધારા વિધેયકને ચર્ચા અને મંજૂરી માટે હાથ ધરવાનું પણ નક્કી થયું છે.

સરકાર કાયદાકીય કામકાજ આગળ વધારવા માગે છે, જ્યારે વિપક્ષ પહેલાં સીજેપી આંદોલન, નીટ ગેરરીતિ અને પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા કરાવવાની માગ પર અડગ છે. પરિણામે આજે પણ બન્ને ગૃહોમાં ઉગ્ર ટકરાવ થવાની સંભાવના છે.

 

(10:58 AM IST)