તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
અસમની નૌગાંવ પેટાચૂંટણીમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે રાજકીય પારો ચરમસીમાએ: બિરયાની, પુલાવ અને સુકી મરીથી લઈને બકાસુર જેવા પ્રહારો સાથે હિમંત બિસ્વા સરમા અને રકીબુલ હુસેન વચ્ચે તીખો શબ્દયુદ્ધ ચાલુ
બાળપણમાં દૂધ પીવાને બદલે ચિકન બિરયાની ખાવાના સાંસદના દાવા સામે મુખ્યમંત્રી સરમાનો વળતો પ્રહાર — 'માતાનું દૂધ પીનારા માણસ અને બિરયાની ખાનારા જાનવર હોય છે'; AIUDF પ્રમુખ બદરૂદ્દીન અજમલે પણ ઝંપલાવીને સુકી મરી ખાવાના મુદ્દે કટાક્ષ કર્યો.

ગુવાહાટી / નૌગાંવ:અસમની હાઇપ્રોફાઇલ નૌગાંવ લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચારમાં રાજકીય મુદ્દાઓને બદલે ખોરાક અને વાનગીઓને લઈને ગંભીર અને તીખી જુબાની જંગ જામી છે. પ્રચારના આખરી દિવસે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કોંગ્રેસના સાંસદ રકીબુલ હુસેન વચ્ચે વાકપ્રહારો ઉગ્ર બન્યા હતા, જેમાં બિરયાની, પુલાવ, ચિકન, રસ્ક અને સુકી મરી જેવા વિષયો રાજકીય ચર્ચાના કેન્દ્રસ્થાને આવી ગયા છે. આ બેઠક પર આગામી ૬ ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ પહોંચ્યા છે.
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નૌગાંવ ખાતેની એક ચૂંટણી રેલીમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રકીબુલ હુસેનની સરખામણી પૌરાણિક રાક્ષસી પાત્ર 'બકાસુર' સાથે કરી હતી. સરમાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, હુસેન દિવસમાં અનેકવાર માંસ અને પુલાવ ખાવામાં જ મગ્ન રહે છે અને સરકારી યોજનાઓના નાણાં પણ હજમ કરી જાય છે. આ આરોપો સામે પલટવાર કરતા કોંગ્રેસ સાંસદ રકીબુલ હુસેને જણાવ્યું હતું કે, ભગવાને તેમને આ દુનિયામાં બિરયાની ખાવા માટે જ મોકલ્યા છે અને અલ્લાહે તેમને જન્મથી જ ધનિક બનાવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સામાન્ય બાળકો જન્મ પછી માતાનું દૂધ પીવે છે, પરંતુ તેઓ કદાચ જન્મતાની સાથે જ ચિકન બિરયાની ખાતા હતા. હુસેને મુખ્યમંત્રીના ખાનપાન પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો માત્ર ચા અને કટ્ટા બિસ્કિટ (રસસ્ક) પર જીવે છે, તેઓ પુલાવ અને બિરયાની વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.
રકીબુલ હુસેનના આ નિવેદન બાદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વધુ આકરો પ્રહાર કર્યો હતો. સરમાએ નૌગાંવની જાહેરસભામાં સ્પષ્ટ કર્યું કે, જે લોકો જન્મ સમયે માતાનું દૂધ પીવા માટે પેદા થાય છે તેઓ મનુષ્ય હોય છે, પરંતુ જેઓ માત્ર બિરયાની ખાવા માટે પેદા થાય છે તેમની ગણતરી જાનવરોમાં થાય છે. આ રાજકીય નિવેદનબાજી વચ્ચે AIUDF ના વડા મૌલાના બદરૂદ્દીન અજમલે પણ ઝંપલાવ્યું હતું. અજમલે હુસેનના દાવાને ફગાવતા કટાક્ષ કર્યો હતો કે, હુસેન બાળપણમાં બિરયાની નહીં પરંતુ સુકી મરી (સુકી માછલી) ખાઈને મોટા થયા છે અને જો તેઓ પહેલા ગરીબ હતા તો પછી તેમની પાસે બિરયાની ક્યાંથી આવી?
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રદ્યોત બોરદોલોઈએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા નૌગાંવ લોકસભા બેઠક ખાલી પડી હતી. ભાજપે નૌગાંવના પૂર્વ ઉપાયુક્ત (ડીસી) દેવાશીષ શર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે બતદ્રવા બેઠકના પૂર્વ વિધાયક સિબામોની બોરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સામે પક્ષે AIUDF ના અજમલ પણ આ ચૂંટણીમાં ઉતર્યા છે, જેઓ ગત લોકસભા ચૂંટણીમાં ધુબરી બેઠક પરથી હુસેન સામે ૧૦ લાખથી વધુ મતોથી હાર્યા હતા. ૬ ઓક્ટોબરે થનારા મતદાન પહેલા ખાનપાન મુદ્દે શરૂ થયેલો આ વિવાદ સમગ્ર ક્ષેત્રમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
